Western Times News

Gujarati News

અમદાવાદના સાણંદના ગોધાવી ગામે જિલ્લા કક્ષાના ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરાઈ

આપણા રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ : સાંસદશ્રી હસમુખભાઈ પટેલ

અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ અને પશ્વિમના સાંસદ શ્રી દિનેશભાઇ મકવાણા તથા જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. સહિતના મહાનુભાવો વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાયા

‘સ્વયં અને સમાજ માટે યોગ’ ના સંદેશ સાથે આજે તારીખ 21 જૂનના રોજ અમદાવાદના સાણંદ તાલુકાના ગોધાવી ગામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં જિલ્લા કક્ષાના દશમાં ‘વિશ્વ યોગ દિવસ’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી કંચનબેન વાઘેલા, અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ અને પશ્વિમના સાંસદ શ્રી દિનેશભાઇ મકવાણા તથા કલેકટર સુશ્રી પ્રવીણા ડી. કે. સહિતના મહાનુભાવો યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા.

આ પ્રસંગે વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવતા અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખભાઈ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ અભિનંદન પાઠવું છું.

તેમણે યોગાભ્યાસ પર ભાર મુકતાં કહ્યું કે, આપણા રોજિંદા નિત્યક્રમમાં યોગને સ્થાન આપી આપણા શરીરને સ્વસ્થ રાખી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ. પ્રત્યેક નાગરિક નિરોગી અને તંદુરસ્ત બનશે ત્યારે જ સ્વસ્થ સમાજ અને શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લાની તમામ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશનો અને જિલ્લાની જેલોમાં પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદેહ ખરે, પોલીસ અધિક્ષકશ્રી ઓમપ્રકાશ જહા, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશ્રી મેઘા તેવર, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેકટરશ્રી વી. કે. જોશી સહિત વિવિધ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને સારી સંખ્યામાં નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.