ગોધરાકાંડના 14 સાક્ષીને મળેલી સુરક્ષા પાછી ખેંચી લેવાઈ

તાજેતરમાં જ સ્પેશિયલ કોર્ટ દ્વારા ૧૧ આરોપીને ફાંસીની સજા અપાઈ હતી જ્યારે ર૦ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી-હાઈકોર્ટમાં અપીલ બાદ ફાંસીની સજા રદ કરીને તમામને આજીવન કેદની સજા ફરમાવાઈ હતી.
(એજન્સી)અમદાવાદ, ગુજરાતને કલંકિત કરનાર વર્ષ ર૦૦રમાં થયેલા ગોધરાકાંડના ૧૪ સાક્ષીની સુરક્ષા હટાવી લેવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમે (એસઆઈટી) કેન્દ્રીય ગૃહમંત્રાલયને સાક્ષીઓને અપાયેલી સુરક્ષા હટાવી લેવા માટે રિપોર્ટ કર્યો હતો.
એસઆઈટીના રિપોર્ટને માન્ય રાખી કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામની સુરક્ષા હટાવી લેવા આદેશ કર્યો છે. ગોધરાકાંડના ૧૪ સાક્ષીઓને સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિકયોરિટી ફોર્સ (સીઆઈએસએફ)ના ૧પ૦ જવાનનો બંદોબસ્ત આપવામાં આવ્યો હતો. છેલ્લા બે દાયકાથી ગોધરાના સાક્ષીઓ સુરક્ષા હેઠળ ફરતા હતા.
ગુજરાતના ઈતિહાસમાં ર૭ ફેબ્રુઆરી ર૦૦રનો દિવળ કાળા અક્ષરોથી લખાયો છે. આ દિવસે ગોધરાકાંડ સર્જાયો હતો જેમાં પ૯ કારસેવકોએ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. અયોધ્યાથી કારસેવકોથી ભરેલી સાબરમતી એકસપ્રેસ ટ્રેન પંચમહાલ જિલ્લાના ગોધરા સ્ટેશન પર પહોંચી હતી જ્યારે ટ્રેન રવાના થવાની હતી ત્યારે કોઈકે ચેઈન ખેંચીને ટ્રેનને રોકી ત્યારબાદ પથ્થરમારો કરીને ટ્રેનના ડબ્બાને આગ ચાંપી દીધી હતી.
એસ-૬ કોચમાં આગ લાગતા પ૯ લોકો જીવતા ભડથું થયા હતા. આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ગોધરાકાંડ બાદ થયેલા કોમી તોફાનોમાં નરોડા પાટિયા હત્યાકાંડ, નરોડા ગામ હત્યાકાંડ સર્જાયો હતો.
જેમાં રાજ્યકક્ષાના પૂર્વ પ્રધાન માયાબહેન કોડનાની સહિતના લોકો સંડોવાયા હતા. આ સિવાય પૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિતના સંખ્યાબંધ લોકોની મેઘાણીનગર ખાતે આવેલી ગુલબર્ગ સોસાયટીમાં હત્યા કરવામાં આવી હતી. ગોધરાકાંડ બાદ ગુજરાતમાં કોમી તોફાનો થયા હતા જેમાં કરફયુ પણ લગાવી દેવામાં આવ્યો હતો.
ગોધરાકાંડનો જ્યારે કેસ નોંધાયા ત્યારે સાક્ષીઓને સુરક્ષા આપવામાં આવી હતી. ગોધરાકાંડના ૧૪ સાક્ષીને સીઆઈએસએફની સુરક્ષા આપવામાં આવી હતી. જેને હટાવી દેવાનો કેન્દ્રીય ગૃહવિભાગે નિર્ણય લીધો છે. સ્પેશિયલ કોર્ટે ગોધરાકાંડને રેરેસ્ટ ઓફ રેર કેસની વ્યાખ્યામાં આવતો હોવાનુ જણાવ્યું હતું.
સ્પેશિયલ કોર્ટ દ્વારા ૧૧ આરોપીને ફાંસીની સજા અપાઈ હતી જ્યારે ર૦ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. આરોપી અબ્દુલ રઝાક કુરકુર, બિલાલ હાજી, રમઝાની બહેરા, સલઈીમ જર્દા, હસન લાલુ, મહેબૂબ લતિકો, ઈરફાન પાતળિયા, મહેબૂબ ચાંદ, ઈરફાન ભોપો, સિરાજ બાલા અને જબીર બહેરાને ફાંસી ફરમાવાઈ હતી
જ્યારે સુલેમાન ટાઈગર, અબ્દુલ જમ્બુરા, કાસીમ ઘાંચી, ઈરફાન ઘાંચી, અનવર શેખ, સિદ્દીક બદામ, મહેબૂબ પોપા, સોહેબ કલંદર, શૌકત પાતળિયા, સિદ્દીક મોરા, અબ્દુલ અસલા, અબ્દુલ કામલી, યુનુસ ઘડિયાળી, અબ્રાહીમ રઝાક, બિલ્લા ઘાંચી, ફારૂક મુસલમાન, ઐયુબ પાતળિયા, શૌકત બદામને આજીવન કેદની સજા ફરમાવી હતી. આ ચુકાદા બાદ હાઈકોર્ટમાં અપીલ કરાઈ હતી જેમાં ફાંસીની સજા રદ કરીને તમામને આજીવન કેદની સજા ફરમાવાઈ હતી.
હાઈકોર્ટના ચુકાદાને રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં હાલ મેટર પેન્ડીંગ છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવયો છે. કેન્દ્રીય ગૃહવિભાગે ગોધરાકાંડના સાક્ષીઓની સુરક્ષા હટાવી દીધી છે.
એસઆઈટી દ્વારા ૧૪ સાક્ષીઓને સિકયોરિટી આપવામાં આવી હતી જેને હટાવી લેવાનો નિર્ણય લેવાયો છે. ગોધરાકાંડના ર૩ વર્ષ બાદ સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવાઈ છે. સીઆઈએસએફની સુરક્ષા એસઆઈટી દ્વારા આપવામાં આવી હતી. એસઆઈટીએ સુરક્ષા હટાવી દેવા માટે ૧૦ નવેમ્બર ર૦ર૩ના રોજ સાક્ષીઓની સુરક્ષા હટાવી દેવાનો રિપોર્ટ કર્યો હતો. એસઆઈટીના રિપોર્ટના આધારે કેન્દ્રીય ગૃહવિભાગે ૧૪ સાક્ષીઓની સુરક્ષા હટાવી દીધી છે. ૧૪ સાક્ષીઓને સીઆઈએસએફના ૧પ૦ જવાનોની સુરક્ષા હતી.