ઢોરોને પકડવા મામલે તંત્રએ માત્ર ફોટો સેશન કરાવ્યું હોવાની ચર્ચા
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરામાં તંત્રએ રખડતા ઢોરોને પકડવા મામલે માત્ર ફોટો સેશન કરાવ્યું હોવાની ભારે ચર્ચાએ જોર પકડયું છે ગઈકાલે ગોધરા પ્રાંત અધિકારી પોલીસ સહિત ગોધરા નગરપાલિકા ટીમે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
દરમ્યાન વિવિધ વિસ્તારોમાંથી ૭૦ જેટલા ઢોરોને પાંજરામાં પુરી ગોધરા પરવડી સ્થિત પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા હતા તંત્ર એ ગોધરામાં નામ પુરતી કાર્યવાહી કરી સંતોષ માની લેતા ગોધરામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત રહેતા ગોધરાના સિવિલ લાઇન્સ રોડ પર રવિવારે બપોરે સામાજિક કાર્યકરને ઢોરોએ અડફેટે લેતા બાઈક સાથે રસ્તા પટકાતા સામાન્ય ઇજાઓ પહોંચી હતી તેમ છતા રખડતા ઢોરોનો ત્રાસ દુર કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે.
ગોધરા શહેરમાં લાંબા સમયથી જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત પાલિકા સત્તાધીશોને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકા તંત્ર ઢોરોનો ત્રાસ દૂર કરવામાં સાવ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અનેક વખત રાજ્ય સરકાર અને નગરપાલિકાઓને રખડતા ઢોરો મામલે ટકોર કરવામાં આવે છે
પરંતુ રાજ્ય સરકારના આદેશોનું પાલન પણ ગોધરા નગરપાલિકા દ્વારા કરવામાં આવતું નથી જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ગઈકાલે જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકા દ્વારા ગોધરા શહેરમાં રખડતા ઢોરોને પકડવા માટે એક ડ્રાઈવ યોજવામાં આવી હતી જે દરમિયાન ૭૦ જેટલા ઢોરોને પકડીને પરવડી સ્થિત ગૌશાળામાં ખસેડવામાં આવ્યા હતા
તંત્રએ માત્ર ફોટોસેશન પૂર્તિ કાર્યવાહી કરી સંતોષ માની લીધો હતો જેને લઈને તંત્રની કામગીરી પર પણ લોકો અનેક સવાલો કરી રહ્યા છે. કોઈ અન્ય નિર્દોષ વ્યક્તિ આ ઢોરોનો ભોગ ના બની જાય તેના માટે તંત્રએ વહેલી તકે રસ્તા પર રખડતા ઢોરો મામલે કાર્યવાહી કરવાની અત્યંત જરૂરી છે અને ઢોર માલિકો સામે પણ કાયદેસરની ફરિયાદ થવી જોઈએ જેથી કરી ઢોરો તે મુખ્ય માર્ગો પર ના આવી જાય અને લોકોને આ સમસ્યામાંથી મુક્ત કરાવવા જોઈએ તેવી માંગ કરી હતી.