ગોધરા- નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ ઉપર ખોદકામ કરાતા શહેરીજનો પરેશાન
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં બાવાની મઢી થી નગરપાલિકા સૈયદવાડા સુધી આવેલ જાહેર માર્ગ ઉપર ખોદકામ કરીને મુખ્ય પાણીની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે અને છેલ્લા ૨૦ દિવસથી પાલિકા દ્વારા કરવામાં આવેલ ખોદકામના લીધે જાહેર માર્ગ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે સ્થાનિક વેપારીઓ સહિત રાહદારીઓ અને વાહનચાલકો ને હાલાકીઓ પડી રહી છે. અને હજુ સુધી પાલીકા તંત્ર દ્વારા ખાડાઓનું યોગ્ય પુરાણ કરી સમારકામ કરવામાં ન આવતા સ્થાનિક રહીશો સહિત વ્યાપારીઓ રાહદારીઓ અને વાહન ચાલકોમાં રોષની લાગણી ફેલાઈ છે.
નગરપાલિકા દ્વારા આડેધડ ખોદકામના કારણે જાહેર માર્ગ ઉપર નાખવામાં આવેલ મુખ્ય પાણીની પાઇપલાઇનના લીધે અમુક લોકોની પાણીની પાઇલાઇન માં પણ ભંગાર સર્જાયું છે જેના લીધે સૈયદવાડા સહિત મોચીવાડ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પીવાનું પાણી આવતું નથી જેના લીધે ત્યાંના રહીશો પાણી માટે વલખાં મારવાં પડે છે.બીજી બાજુ ગોધરાના બાવાની મઢી થી સુધી ખોદકામના લીધે કેટલાક વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે કારણ કે રોડ ઉપર ધૂળ ડમરીઓ ઉડીને દુકાનોમાં આવતા ધંધા ઉપર માઠી અસર પડી રહી છે. જેના કારણે વેપારીઓમાં પણ રોષ વ્યાયો છે.
આજરોજ ગોધરા શહેરના સૈયદવાડા વિસ્તારના દુકાનદારો અને રહીશો નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર સહિત પ્રમુખને રજૂઆત કરવા ગયા હતા ત્યારે પાલિકાની ઓફિસમાં અધિકારીઓ ના મળતા તેઓ પરત ફર્યા હતા. ત્યારે ત્યાંના સ્થાનિક વ્યાપારીએ જણાવ્યું હતું કે પાલિકા દ્વારા આડેધડ ખાડાઓનું ખોદકામ કરતાં અમારા ધંધા રોજગાર પડી ભાગ્યા છે અને ઘણી વખત નાના-મોટા અકસ્માત પણ થતા હોય ત્યારે આજે સવારે એક રીક્ષામાં સ્કૂલના બાળકો ભરી નગરપાલિકા તરફથી આવી રહી હતી ત્યારે રીક્ષા અચાનક પલટી ખાઈ જતા કોઈ જાનહાની થઈ ન હતી અને સ્કૂલના વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો.
ગોધરાનગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ સોનીએ જણાવ્યું હતું કે સૈયદવાડા વિસ્તારના વેપારીઓ અને સ્થાનિક રહીશોની ફરિયાદ મળી હતી કે જાહેર માર્ગ ઉપર ખાડાઓ ખોદી જે પાઇપલાઇનમાં નાખવામાં આવી છે જેના કારણે અમુક પાણીની લાઈનમાં ભંગાર સર્જાયું છે તો તે તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરવામાં આવશે અને જે બગીચા રોડથી નગરપાલિકા સુધી ખોદકામ કરી પાણીની પાઇપલાઇનનું જાેડાણ કરવામાં આવ્યું છે તે હવે પૂર્ણતા ને આરે છે માટે બે દિવસમાં કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવશે