Western Times News

Gujarati News

ભાડે આપેલી દુકાન ભાડૂઆતના નામે થઈ જતાં માલિકે ઠગાઈની અરજી કરી

ગોધરાના ઈસમ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા શહેરના ચિત્રા સિનેમા રોડ વિસ્તારમાં રહેતા જયેશ નવીનચંદ્ર રાણાએ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગોધરા સિટી સર્વે નં ૩૨/બ/૨/૧ વાળી મિલકત તેઓના વડીલોએ વેચાણથી રાખી હતી.

જે બાદ તેઓના વડીલો ગુજરી જતા આ જમીનના માલિક જયેશભાઈના પિતા અને અન્ય વારસદારો થયા હતા. વર્ષ ૨૦૨૧ માં જયેશભાઈ રાણાના પિતાના અવસાન બાદ આ મિલકતની વારસાઈ કરાવી હતી.

જેના માલિક તરીકે જયેશભાઈ રાણાનું નામ દાખલ થયું હતું. આ મિલકત વર્ષ ૧૯૯૦ માં દિવ્યેશ અશોકભાઈ શેઠ અને મહેશ ભાઈલાલભાઈ શેઠને ભાડે આપી હતી. જેમાં આનંદ મેડિકલ સ્ટોરની પેઢી ચાલતી હતી. જે પેઢીએ સને ૧૯૯૮ સુધી માસિક રૂ.૩૫૦ ભાડું ચૂકવ્યું હતું. જે બાદ ભાડું ચૂકવવાનું બંધ કરતા જયેશભાઈના દાદીએ કોર્ટમાં કેસ કર્યો હતો.

જેથી દિવ્યેશભાઈ અને મહેશભાઈ આનંદ મેડિકલ સ્ટોરનું ભાડું કોર્ટમાં ચૂકવતા હતા. બીજી તરફ જયેશભાઈ રાણાના ધ્યાને આવ્યું હતું કે આનંદ મેડિકલ સ્ટોરના માલિક તરીકે રાજેન્દ્રકુમાર નટવરલાલ શાહનું નામ ચાલે છે.

જેઓ જયેશભાઈની મિલકતના ભાડુઆત નથી કે તેઓ સાથે કોઈપણ કાયદેસરનો કરાર થયો નથી. તેમ છતાં રાજેન્દ્રકુમાર નટવરલાલ શાહે મિલકત પચાવી પાડતા જયેશભાઈ રાણાએ ગત ૨૩ જુલાઈના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઓનલાઇન અરજી કરી હતી.

જેની તપાસ થતા જિલ્લા કલેક્ટર ધ્વારા જયેશભાઈ રાણાના તરફેણમાં ચૂકાદો આપ્યો હતો.તેમજ રાજેન્દ્રકુમાર નટવરલાલ શાહ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો દાખલ કરવાનો હુકમ કરતા તા ૨૬ મેના રોજ ફરિયાદ નોંધાવા પામી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.