કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી શોભાના ગાંઠીયા સમાન

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરાના વાવડી બુઝર્ગ વિસ્તારમાં નલ સે જલ પેયજળ યોજના ની ટાંકી શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહી છે.સરકાર અને જિલ્લા પાણીપુરવઠા વિભાગ ધ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી તો બનાવી દીધી.પણ પાણીની ટાંકીમાં સમ ખાવા પૂરતું પણ પાણી નથી.
ગોધરા શહેર નજીક આવેલા વાવડી બુઝર્ગ વિસ્તારમાં વર્ષ ૨૦૨૧-૨૨ માં સરકાર તેમજ પંચમહાલ જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જલ જીવન મિશન નલ સે જલ કાર્યક્રમ અંતર્ગત પેયજળ યોજનામાં ૧ લાખ લીટર ની ક્ષમતા ધરાવતી લાખો રૂપિયાના ખર્ચે મોટી ટાંકી બનાવવામાં આવી હતી.પણ હાલ આ ટાંકી ની પરિસ્થિતિ શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહી છે.
કારણકે સરસ અને મજબૂત ટાંકીનું સ્ટ્રક્ચર તો જોવાય છે પણ એમાં પાણીનું ટીપું પણ પડ્યું નથી.વાવડી બુઝર્ગ વિસ્તારમાં સમાવિષ્ટ અસંખ્ય સોસાયટીના રહીશોને પાણીની સુવિધા માટે આ ટાંકી નું નિર્માણ કરવામાં આવ્યું હતું.પણ કોઈક કારણોસર અથવા તો પાણી પુરવઠા વિભાગની આળસ ના કારણે હાલ આ પાણીની ટાંકી બંધ હાલતમાં શોભાના ગાંઠીયા સમાન જોવા મળી રહી છે.
પાણી પુરવઠા વિભાગ ની વિવિધ યોજનાઓમાં કરોડો રૂપિયા નો ખર્ચ કરી પાણીની ટાંકી તો બનાવી દેવામાં આવે છે પણ તે ટાંકીઓમાં પાણી પહોંચે છે કે કેમ તે જોવાની જવાબદારી કોની???ઉનાળાની કાળજાળ ગરમીમાં વિસ્તારમાં આવેલા બોર અને કૂવામાં પાણીના સ્તર ઊંડા જઈ રહ્યા છે.જેના કારણે લોકો પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે.
ત્યારે હાલ ગોધરા શહેરમાં ઉનાળાની સિઝનમાં લોકો સખત ગરમીનો સામનો કરી રહ્યા છે.અને લોકો પાણી માટેનો પોકાર કરી રહ્યા છે.તો બીજી તરફ આ વિસ્તાર પાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હોવાથી અહીંના સ્થાનિક રહેવાસીઓની પાણીની જરૂરિયાત સંતોષવાની નૈતિક જવાબદારી પણ પાલિકા ના શિરે છે.
ત્યારે આ મામલે સબંધિત તંત્ર વહેલી તકે આવી ટાંકીઓમાં પાણી પહોંચતું કરાવડાવે અને લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરાવે તેમજ આવી લાખો રૂપિયાના ખર્ચે બનેલી ટાંકીઓની જાળવણી થાય તે જોવું પણ જરૂરી છે.