ગોધરા પાલિકા દ્રારા ૪૦ ફુટ રાવણનું પ્રતિકાત્મક પૂતળુ બનાવવાની કામગીરી પુરજોશમાં
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) દૈવીશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિ મહોત્સવના સમાપન સાથે અસત્ય પર સત્યના વિજયનું મહાપર્વ એટલે કે વિજ્યાદશમી પર્વની ગોધરા શહેર સહિત જિલ્લાભરમાં શનિવારના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ગોધરામાં દશેરા પર્વને લઈ ગોધરા નગરપાલિકા દ્વારા રાવણ દહનના કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આસુરી શક્તિ ઉપર દૈવી શક્તિનો વિજય થયો તે દિવસને વિજ્યાદશમી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન રામે રાવણ પર વિજય મેળવ્યો તે દિવસ આસો સુદ દસમ હતી, તેથી તેને દશેરા તરીકે મનાવવામાં આવે છે. ગોધરા શહેરમાં દશેરા પર્વને અનુલક્ષીને ૪૦ ફુટના રાવણનું પ્રતિકાત્મક દહન કરી પર્વની ઉજવણી કરવામાં આવશે. ૪૦ ફૂટના રાવણના પુતળાના દહન માટેની તૈયારીઓ પૂરજોશમાં આરંભી દેવાઈ છે.
મૂળ રાજસ્થાનના ડુંગરપુરના કારીગરો દ્વારા ગોધરામાં જ રાવણનું પૂતળું તૈયાર કરવામાં આવી રહ્યું છે. આગામી બે દિવસમાં પૂતળું તૈયાર થયા બાદ તેમાં દારૂખાનું અને આતશબાજી ફાયર ગોઠવવામાં આવનાર છે અને બાદમાં આગામી તા.૧૨ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ આ પૂતળાને શહેરના લાલબાગ મેદાન ખાતે ઉભુ કરવામાં આવશે.
આ બાબતે નગરપાલિકાના અધિકારી દિનેશભાઈ કામોલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગોધરા નગરપાલિકા દ્વારા વિજયાદશમી પર્વને અનુલક્ષીને કાર્યકમ રાખવામાં આવનાર છે. જેમાં ૪૦ ફુટ ઉંચુ રાવણનું પૂતળું બનાવી દહન કરવામાં આવશે.
આ ઉપરાતં નગરપાલિકા તંત્ર દ્વારા લાલબાગ મેદાન ખાતે આતશબાજીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ રાવણ દહનના પૂતળાને અંદાજે ૧.૫૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવનાર છે. રાવણ દહન પૂતળાં બનાવની કામગીરી છેલ્લા બે દિવસથી રાજસ્થાન કારીગરો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.