ખેતરમાંથી લીલા ગાંજાનાં 21 છોડ અને ઘરમાંથી 1.970 કિલો સૂકો ગાંજો ઝડપાયો

શહેરાના નાડા ગામે ગાંજાની ખેતી કરતો ખેડૂત ઝડપાયો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા એસ.ઓ.જી પોલીસે શહેરા તાલુકાના નાડા ગામે ખેતરમાંથી લીલા ગાંજાનાં ૨૧ છોડ જેનું વજન ૬૪૦ ગ્રામ તથા ખેતરમાં બનાવેલ ઘરમાંથી સૂકો ગાંજો જેનુ વજન ૧.૯૭૦ કિલો ગ્રામ મળી કુલ રૂ.૨૬,૧૦૦ ના મુદામાલ સાથે એક આરોપી ને ઝડપી પાડ્યો હતો.
પંચમહાલ જિલ્લા પોલીસ નાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સના દૂષણ ને નેસ્ત નાબૂદ કરવા માટે જિલ્લાની પોલીસને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેમાં ગોધરા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર આર.એ.પટેલ ને ખાનગી બાતમીદાર દ્વારા ચોક્કસ બાતમી મળી હતી
કે શહેરા તાલુકાના નાડા ગામે લુહાર ફળિયામાં રહેતા મંગળસિંહ હીરાભાઈ પટેલ કે જેઓના કબજા ભોગવટા વાળા ખેતરમાં લીલા ગાંજા નાં છોડ ઉગાડયા છે.જે બાતમી આધારે ગોધરા એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર આર.એ.પટેલ,પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.જી. વહોનિયા તેમજ સ્ટાફ ધ્વારા બાતમી મુજબની જગ્યાએ જઈ આરોપી ને સાથે રાખી ખેતરમાં ઝડતી તપાસ કરતા ખેતરમાંથી લીલા ગાંજા નાં કુલ ૨૧ છોડ મળી આવ્યા હતા.
જેનું વજન કરાવતા ૬૪૦ ગ્રામ થયું હતું.આ ઉપરાંત આરોપીના ખેતરમાં બનાવેલ ઘરમાં પોલીસે તપાસ કરતા સૂકો ગાંજો પણ મળી આવ્યો હતો. જેનું વજન ૧.૯૭૦ કિલોગ્રામ થવા પામ્યું હતું.આમ પોલીસે કુલ રૂ.૨૬,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે શહેરા પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.