ગોધરા રેન્જ નાયબ પોલીસ મહા નિરીક્ષક તરીકે આર. વી. અસારીએ ચાર્જ સંભાળ્યો
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા ડીઆઈજી કચેરી ખાતે પોલીસ વિભાગની જાેગવાઈ મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રેન્જ નાયબ પોલીસ મહા નિરીક્ષક તરીકે આર.વી.અસારીએ જણાવ્યું કે કાયદાની અવગણના કરતાં તત્વો સામે ડર નો માહોલ ઉભો થાય એ પ્રકારે કામગીરી કરવા સાથે જ જાહેર જનતાની રજુઆત માટે કચેરી સમય ગાળા દરમિયાન કાયમ દરવાજા ખુલ્લા રહેશે.
ઉલ્લેખનીય છેકે આર.વી.અસારી અગાઉ દાહોદ જિલ્લામાં ડીવાયએસપી, ગોધરા ડીવાયએસપી અને પંચમહાલ ડીએસપી તરીકે ફરજ બજાવી ચુક્યા હોવાથી તેઓ ગોધરા રેન્જની તમામ પરિસ્થિતિ થી વાકેફ પણ છે.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આઈપીએસ અધિકારીઓની બદલીનો કરવામાં આવી હતી જેમાં પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાની અમદાવાદ સેકટર ૧ અધિક કમિશનર ઓફ પોલીસ તરીકે બદલી થઈ હતી.જ્યારે ગાંધીનગર ઇન્ટેલિજન્સ-૨ના ડીઆઇજી રાજેન્દ્ર અસારીની ગોધરા રેન્જ ડીઆઇજી તરીકે નિયુક્તિ થઈ હતી.
રાજેન્દ્ર અસારી દ્વારા આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળવામાં આવ્યો છે.નવનિયુક્ત ડીઆઇજી આર વી અસારીએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની કામગીરીને પ્રાથમિકતા આપવાનું જણાવ્યું હતું, વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રેન્જમાં કોઈપણ અરજદાર તેઓને નિઃસંકોચ કોઈપણ પ્રશ્નને લઈને મુલાકાત કરી શકશે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી સહિત તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.