ટેક્નિકલ નિરીક્ષણ વિના ફક્ત કાગળ પર મનરેગાના કામ પૂર્ણ બતાવી દેવામાં આવે છે?

ગોધરા તાલુકાના નદીસર ગામે મનરેગા યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચારના આક્ષેપો
(પ્રતિનિધિ)ગોધરા, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ ચાલતી વિવિધ વિકાસાત્મક કામગીરીઓમાં ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. ગામના રહીશોએ આ મામલે કઠોર વલણ દાખવી મુખ્યમંત્રી કાર્યાલય તેમજ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજુઆત કરી છે.
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે મનરેગા હેઠળ જે કામો અગાઉ પૂર્ણ થઈ ચૂક્યા છે, તે જ કામોને ફરીથી નવા તરીકે દર્શાવી ભંડોળની ઉચાપત કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોઝવે, માટી મેટલ અને ગ્રામીણ રસ્તાઓના કામોમાં ગુણવત્તાની મોટાપાયે અવગણના થઈ રહી છે. ગ્રામજનોના અનુસાર, કોઈ પણ પ્રકારની નોન-ટેક્નિકલ અથવા ટેક્નિકલ નિરીક્ષણ વિના ફક્ત કાગળ પર કામ પૂર્ણ બતાવી દેવામાં આવે છે,
આ મામલે ગામલોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી સમગ્ર કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માગ કરી છે. તેમણે દોષિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી કરી ભવિષ્યમાં આવા ભ્રષ્ટાચાર ન થાય તે માટે માંગ કરી છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે જો યોગ્ય સમયસર તપાસ કરી ન્યાય નહિ મળે તો તેઓ સરકાર સામે પણ રજૂઆતો કરશે.