ગોગરા અને હોટ સ્પ્રિંગ્સમાંથી ભારત-ચીનની સેના સંપૂર્ણપણે હટાવશે
ભારત અને ચીનની સેના આજે પૂર્વી લદ્દાખના ગોગરા-હોટસ્પ્રિંગ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ 15 પરથી સૈન્યદળને સંપૂર્ણપણે પાછુ ખેંચી લેવામાં આવશે. 12 સપ્ટેમ્બર બંને દેશોના સૈનિકોની પીછેહઠની છેલ્લી તારીખ હતી.
આ વિસ્તારમાં બે વર્ષથી વધુ સમયથી બંને પક્ષો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યુ હતો. બંને દેશોની સેનાઓએ ગુરુવારે જાહેરાત કરી કે તેઓએ પૂર્વી લદ્દાખના ગોગરા-હોટસ્પ્રિંગ વિસ્તારમાં પેટ્રોલિંગ પોઈન્ટ 15થી પીછેહઠ કરવાનું શરૂ કર્યું છે. સૈન્ય પાછુ ખેચવાની પ્રક્રિયા 12 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
16મા રાઉન્ડની વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે આ અંગે સહમતિ બની હતી.
ભારત અને ચીન બંને દેશો વચ્ચે મે 2020માં ઘર્ષણ શરૂ થયુ હતો.
આ દરમિયાન બંને દેશોની સેના ઘણી વખત સામસામે આવી ગઈ હતી. આ પછી જૂન મહિનામાં ગલવાનમાં હિંસક અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. તો ચીનના 41થી વધુ સૈન્ય જવાનો માર્યા ગયા હતા. બે વર્ષથી વધુ સમય સુધી ચાલેલી આ લોહિયાળ અથડામણ પછી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો.
આ દરમિયાન ભારત અને ચીન વચ્ચે ઘણી લાંબા ગાળાની કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. પરંતુ કોઈ સાર્થક ઉકેલ મળી શક્યો નથી. કમાન્ડર સ્તરની મંત્રણાના 16મા રાઉન્ડમાં, બંને દેશો ઘણા મુદ્દાઓ પર સહમત થયા હતા, જેમાંથી એક ગોગરા-હોટસ્પ્રિંગમાંથી સૈનિકો પાછા ખેંચવાનો હતો.
આ સમગ્ર મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, ‘અમારું માનવું છે કે સૈન્ય દળ પાછા ખેંચવાની પ્રક્રિયા એ એક સકારાત્મક પગલું હશે. સરહદી વિસ્તારોમાં શાંતિના વાતાવરણ માટે આ મહત્વપૂર્ણ છે અને ચીન પણ શાંતિ અને સ્થિરતા જાળવવા માટે ભારત સાથે કામ કરવા આતુર છે.
બંને પક્ષો દ્વારા ઉભી કરાયેલ તમામ અસ્થાયી માળખાં અને અન્ય સંલગ્ન માળખાં તોડી પાડવામાં આવશે અને પરસ્પર બહાલી આપવામાં આવશે. આ વિસ્તારને એ જ કુદરતી પ્રકૃતિમાં પુનઃસ્થાપિત કરવામાં આવશે જેવો તે બંને પક્ષો વચ્ચેની ઘર્ષણની પરિસ્થિતિ પહેલા હતો. બાકીના મુદ્દાઓને ઉકેલવા માટે ફણ ભારત અને ચીન સંમત થયા છે.
ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના વાર્ષિક સમિટના લગભગ એક અઠવાડિયા પહેલા આ વિસ્તારમાંથી પીછેહઠની જાહેરાત કરવામાં આવી હતી કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
PM મોદી 15-16 સપ્ટેમ્બરે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાનની મુલાકાત લેશે. બન્ને નેતાઓ તેમની મુલાકાત દરમિયાન, છેલ્લા બે દાયકામાં બન્ને દેશની આર્થિક અને આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓની સમીક્ષા કરે અને બહુપક્ષીય સહયોગની શક્યતાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે વડા પ્રધાન સમિટની બાજુમાં કેટલીક દ્વિપક્ષીય બેઠકો પણ કરે તેવી શક્યતા છે. જો કે, મોદી શી જિનપિંગ સાથે મુલાકાત કરશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર નિવેદન નથી.