સોનાની આયાત ઓગસ્ટમાં 10.1 અબજ ડોલરની સપાટીએ પહોંચી
(એજન્સી) મુંબઈ ઃ દેશમાં લગ્નસરાની સીઝન શરૂ થતાં પૂર્વે અને સોનાના રેકોર્ડ ભાવ છતાં સોનાની માંગમાં આવેલી મોટી વૃદ્વિ સાથે સોનાની ભારતની આયાતમાં જંગી વધારો થયો છે.
સોના પરની આયાત ડયૂટી ૧૫ ટકા પરથી ઘટાડી છ ટકા કરાયા બાદ ભારતની ગોલ્ડ આયાતમાં વધારો જોવા મળ્યો છે. કેન્દ્રના વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યા હતું કે, ઓગસ્ટની સોનાની આયાતનો આંક ૧૦.૦૧ અબજ ડોલર જેટલો વિક્રમી રહ્યો છે. જુલાઈ મહિનાની તુલનાએ ઓગસ્ટ ૨૦૨૪ મહિનામાં સોનાની આયાત ત્રણ ગણાથી વધુ ૧૪૦ ટનની થઈ છે.
વિશ્વના બીજા સૌથી મોટા સોનાના વપરાશકાર ભારતમાં સોનાની માંગમાં મોટી વૃદ્વિ બાબતે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના કહેવા મુજબ સરકાર દ્વારા સોનાની કસ્ટમ ડયુટી ૧૫ ટકાથી ઘટાડીને ૬ ટકા કરવામાં આવતાં ઉદ્યોગ પર પોઝિટીવ અસર જોવાઈ છે. સોનાની આયાત જુલાઈની તુલનાએ ઓગસ્ટમાં ત્રણ ગણાથી વધુ ૧૪૦ ટનની થઈ છે.
દેશમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ હોવા સાથે હવે લગ્નસરાની સીઝન શરૂ થવામાં છે અને ચોમાસું સારૂ રહેતાં આ પોઝિટીવ ટ્રેન્ડ આગળ પણ જળવાઈ રહેવાની શકયતા બતાવાઈ રહી છે. ઊંચા ભાવે દેશમાં સોનાની દાણચોરી અટકાવવાના ભાગરૂપ વર્તમાન વર્ષના બજેટમાં ડયૂટીમાં ઘટાડો કરાયો હતો, પરંતુ વૈશ્વિક સ્તરે સોનાના ભાવ ફરી ઊંચકાતા ઘરઆંગણે ભાવ ફરી બજેટ પહેલાના સ્તરે આવી ગયા છે.