GICEA દ્વારા ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ યોજાયો: 83 વિદ્યાર્થીઓને મેડલ એનાયત
સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેકચર અભ્યાસક્રમમાં સિદ્ધિ હાંસલ કરેલ 83 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા
અમદાવાદ ખાતે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ધી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ એન્ડ આર્કિટેક્ટ (GICEA) દ્વારા ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ યોજાયો હતો.
આ સમારોહમાં સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેકચર જેવા શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ સિદ્ધિ હાંસલ કરેલ 83 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જેમાં 41 જેટલા ગોલ્ડ મેડલ સ્નાતક સ્તરે જ્યારે 37 જેટલા મેડલ અનુસ્નાતક સ્તરે જ્યારે 5 જેટલા ગોલ્ડ મેડલ ડિપ્લોમા સ્તરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને અપાયા હતા. જેમાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગમાં 63 મેડલ, આર્કિટેક્ટ વિભાગમાં 17 અને અર્બન પ્લાનિંગ વિભાગમાં 3 જેટલા વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ રાજ્યની વિવિધ 33 જેટલી યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થયેલા છે.
રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે તમામ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સેપ્ટ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી બર્જોર મહેતા, બકેરી ગ્રૂપના ડાયરેકટર શ્રી પાવન બકેરી, GICEAના પ્રેસિડેન્ટ શ્રી બકુલ દેસાઈ, વાઈસ પ્રેસિડેન્ટ શ્રી દીપક પટેલ, શ્રી અપૂર્વ ઠાકરશી તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.