સોનાના ભાવ એક વર્ષમાં ભાવ 53000 થી વધીને 63000
ગયા વર્ષ કરતાં 20 ટકા ઓછુ વેચાણ: સિકકા-બિસ્કીટને બદલે જવેલરીની જ ખરીદી કરવાનો ટ્રેન્ડ
અમદાવાદ, નવરાત્રીના તહેવારોના દિવસોમાં ગુજરાતમાં 400 કિલો સોનાનું વેચાણ થયુ હતું. જોકે, ઉંચા ભાવને કારણે કારોબારને ફટકો હતો અને ગત વર્ષ કરતાં 20 ટકા ઓછુ વેચાણ થયાનું જણાવાય છે. ઈન્ડીયા બુલીયન એન્ડ જવેલર્સ એસોસીએશનના અંદાજ પ્રમાણે ગઈકાલે દશેરાના શુભ દિવસે સામાન્ય દિવસો કરતા સોના-ચાંદીનુ વધુ વેચાણ થયુ હોવા છતાં ઉંચા ભાવને કારણે અમુક અંશે કારોબારને ફટકો પડયો હોવાનું માલુમ પડયુ હતું. સમગ્ર ગુજરાતમાં 400 કિલો સોનાનું વેચાણ થયુ હતું. જે ગત વર્ષે 500 કિલોનું હતું.
તેની સરખામણીએ 20 ટકાનો ઘટાડો હતો. છેલ્લા દિવસોમાં જુનુ સોનુ પરત આપીને નવુ ખરીદવાનું ચલણ પણ વધુ માલુમ પડયુ હતું. દશેરાના દિવસે સોનાનો હાજર ભાવ 62200 થી 62400 ની રેન્જમાં રહ્યો હતો. ગત વર્ષનાં દશેરા 5 ઓકટોબર 2022 ના હતા અને તે દિવસે 57000 નો ભાવ હતો તેની સરખામણીએ આ વર્ષે 17.4 ટકા ઉંચો ભાવ રહ્યો હતો. જવેલર્સોનાં કહેવા પ્રમાણે છેલ્લા એક પખવાડીયામાં સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં નવરાત્રીનાં દિવસોમાં ડીમાંડ પ્રમાણમાં સારી હતી.
સૌથી વધુ ખરીદી નાના શહેરો-ગ્રામ્ય વિસ્તારનાં લોકોની હતી. સારા વરસાદથી કૃષિ ઉત્પાદન સારૂ થયુ છે.ગામડામાં મોટુ નાણુ હાથમા રહે તેમ હોવાથી સોનામાં સારી ખરીદી થઈ છે.અન્ય ક્ષેત્રોમાં મોંઘવારીનું દબાણ છે. એટલે રોકાણની દ્રષ્ટિએ પણ સોનાને પ્રાથમીકતા આપવામાં આવી હોવાની છાપ છે. ઝવેરી માર્કેટનાં સુત્રોના કહેવા પ્રમાણે દશેરાએ સોનાના સિકકા તથા બિસ્કીટની માંગ સામાન્ય રીતે નોંધપાત્ર રહેતી હોય છે. છેલ્લા બે ત્રણ વર્ષનાં આવા ટ્રેંડની વિપરીત આ વખતે સિકકા તથા બિસ્કીટનું વેચાણ માત્ર 10 ટકા હતું.
90 ટકા વેચાણ જવેલરીનું જણાયું હતું. થોડા વખત પૂર્વે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 66000 સુધી પહોંચ્યો હતો એટલે આ વખતે યુદ્ધ જેવા ભૌગોલીક ટેન્શનથી સર્જાયેલી તેજીની બહુ મોટી અસર થઈ ન હતી. જવેલર્સો દ્વારા 30 ટકા ડીસ્કાઉન્ટ (ઘડામણ ચાર્જ પર) ઓફર પણ મુકવામાં આવી હતી. મહદ અંશે તેનુ આકર્ષણ હતું ઉપરાંત દિવાળી પછીના લગ્નગાળા માટેના મુહુર્તે ખરીદી થઈ હતી. સોના ઉપરાંત ચાંદીમાં પણ નોંધપાત્ર ખરીદી હતી. રોજબરોજનાં વપરાશમાં ચાંદીની જવેલરી ઉપરાંત આર્ટીકલ્સનો ટ્રેંડ વધ્યો છે.