પશ્ચિમ બંગાળમાંથી 8.5 કરોડના સોના સાથે બે દાણચોરોની ધરપકડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/09/bsf-bengal-1024x768.jpg)
(એજન્સી)કોલકતા, બીએસએફ અને ડીઆરઆઇ, કોલકાતાના એક ટીમે સંયુકત ઓપરેશનમાં નાદિયા જિલ્લામાં ભારત-બાંગ્લાદેશ સરહદ નજીક સોનાની દાણચોરીની મોટી કાર્યવાહીને નિષ્ફળ બનાવી છે. એક ઘરમાંથી ૧૦૬ સોનાના બિસ્કીટ સાથે બે તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે.
બીએસએફના એક અધિકારીએ જણાવ્યું કે જપ્ત કરાયેલા સોનાનું વજન ૧૪.૨૯૬ કિલોગ્રામ છે, જેની અંદાજીત કિંમત ૮.૫૦ કરોડ રૂપિયા છે. આ સોનું બાંગ્લાદેશથી દાણચોરી કરીને લાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે સોનાના બિસ્કિટ ઘરની અંદર કચરાના ઢગલામાં બે કાપડની થેલીઓમાં છુપાવવામાં આવ્યા હતા.
અધિકારીના જણાવ્યા મુજબ,નક્કર માહિતીના આધારે, બીએસએફની ૩૨મી કોર્પ્સ અને ડીઆરઆઇની ટીમે શનિવારે સંયુકત સર્ચ ઓપરેશન હાથ ધરીને દક્ષિણ બંગાળ ફ્રન્ટિયર હેઠળના બોર્ડર આઉટપોસ્ટ વિજયપુર વિસ્તારમાં એક ઘરમાંથી સોનાનો કન્સાઇનમેન્ટ જપ્ત કર્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે ડીઆરઆઇને સરહદી વિસ્તારમાં આવેલા વિજયપુર ગામમાં એક ઘરમાં સોનું છુપાવવામાં આવ્યું હોવાની નક્કર માહિતી મળી હતી. વિભાગે આ સમાચાર બીએસએફ અધિકારીઓ સાથે પણ શેર કર્યા હતા. સમાચાર મળતાની સાથેજ કંપની કમાન્ડરની આગેવાનીમાં બીએસએફની ટુકડી સરહદી ગામ વિજયપુર પહોંચી.
ડીઆરઆઇની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બંને એજન્સીઓની ટીમોએ સંયુકત રીતે શંકાસ્પદ ઘર પર સર્ચ ઓપરેશન કર્યુ હતું.