ગોલ્ડન ચોકડી પાસેથી 12.59 લાખના એમડી ડ્રગ્સ સાથે એક ઝબ્બે
(એજન્સી)વડોદરા, મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સ મંગાવી હાલોલથી વડોદરા વેચવા માટે આવેલ શખ્સને વડોદરા એસ.ઓ.જી પોલીસની ટીમે ગોલ્ડન ચોકડી પાસેથી ઝડપી પાડી રૂપિયા ૧૨.૫૯ લાખ ઉપરાંતની કિંમતના ૧૨૫.૯૯ ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડી આરોપીની નાર્કોટિક્સ અધિનિયમ હેઠળ ધરપકડ કરી અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
વડોદરા શહેર એસઓજી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, શહેરના છેવાડે આવેલ ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે એક શખ્સ ડ્રગ્સનું વેચાણ કરવા માટે પહોંચવાનો છે. જેના આધારે પોલીસે ગોલ્ડન ચોકડી બ્રિજ નીચે વોચ ગોઠવી સ્કૂલ બેગ સાથે શંકાસ્પદ પસાર થતાં શખ્સને ઝડપી પાડ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી મોહનલાલ મંગિલાલ લુહાર (રહે- હાલોલ /મૂળ રહે- મધ્યપ્રદેશ) હોવાનું બહાર આવ્યું હતું. તેની પાસે રહેલી સ્કૂલબેગની તલાસી લેતા બોક્સમાંથી એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. મેફેડ્રોન ડ્રગ્સની એક ગ્રામની ૧૦ હજાર કિંમત લેખે રૂ. ૧૨,૫૬,૯૦૦ની કિંમતનું ૧૨૫.૯૯ ગ્રામ એમ ડી ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું છે.
બોક્સની ડિલિવરી મોહન વિશ્વકર્મા (રહે- હાલોલ)ને આપવાની હોવાનો ઉલ્લેખ હતો. આરોપીએ આ એમડી ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશના મંગિલાલ પાટીદાર નામના શખ્સ પાસેથી વેચાણ કરવા માટે મંગાવતા તેનો માણસ હાલોલ ખાતે ડિલિવરી આપી ગયો હોય અને ગોલ્ડન ચોકડી નીચે આવી ગ્રાહકોને છૂટક વેચાણ કરવાની કબુલાત કરી હતી.