ગોમતીપુર ચારતોડા કબ્રસ્તાન પાસેના હયાત રોડની પહોળાઈ ૩૦ મીટર કરાશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના અનેક રોડ પર રીડીપી અમલ થતો નથી મ્યુનિસિપલ તંત્રની નિષ્ક્રિયતાના કારણે દબાણો વધી જાય છે. જેના પરિણામે રોડની પહોળાઈ ઓછી થઈ જાય છે અને રી-ડેવલપમેન્ટ પ્લાન મુજબ રોડ બની શકતું નથી. આ અળચણને દૂર કરી ગોમતીપુર વિસ્તારમાં ચારતોળા કબ્રસ્તાન પાસેના હયાત રોડને ૩૦ મીટર સુધી પહોળો કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિ. ટાઉન પ્લાનિંગ ચેરમેન અનિરૂદ્ધસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગોમતીપુરમાં કાલિકા દાસ મીલ ચાર રસ્તાથી ચારતોડા કબ્રસ્તાન સુધીના ૮૫૦ મીટરના રોડ પરના દબાણોને દૂર કરી અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો છે. છેલ્લા અનેક વર્ષોથી આ રોડ ઉપર દબાણ હતું જે કુલ ૩૦ મીટરનો આ રોડ છે.
હાલમાં હયાત ૧૨ મીટરનો રોડ હતો. જેથી રોડ ઉપરના ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને દૂર કરી અને રોડ પહોળો કરવાની કાર્યવાહી કોર્પોરેશનના પૂર્વ ઝોન અને ઉત્તર ઝોન દ્વારા કરવામાં આવી રહી છે. આ રોડનો ભાગ ઉત્તર ઝોન અને કેટલોક ભાગ પૂર્વ ઝોનમાં આવતો હોવાથી બંને ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
શહેરના મોટેરા વિસ્તારમાં ટીપી સ્કીમ હેઠળના પ્લોટને મેટ્રો સ્ટેશન બનાવવા માટે ફાળવવા અને હેતુ ફેર માટેની દરખાસ્તને પણ આજે મંજૂરી આપવામાં આવી છે. મેટ્રો દ્વારા પ્લોટ મેળવવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના છેવાડે આવેલા મોટેરા વિસ્તારમાં અમદાવાદથી ગાંધીનગરને જાેડતા મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે.
જે કામગીરી માટે મેટ્રો સ્ટેશનને ફાળવવા માટે થઈને દરખાસ્ત મુકવામાં આવી હતી. સૈજપુર, ગોપાલપુર અને શાહવાડી વિસ્તારમાં આવેલી ટીપી સ્કીમને પણ રાજ્ય સરકારમાં પરામર્સ માટે મોકલી આપવામાં આવી છે. વિવિધ હેતુઓ માટે કુલ ૯૦ જેટલા પ્લોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળશે.