Western Times News

Gujarati News

૫૬.૮૪ કરોડના ખર્ચે ગોંડલમાં બે નવા ફોરલેન બ્રિજ

પ્રતિકાત્મક

(એજન્સી)રાજકોટ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચે તથા ગવર્નમેન્ટ હોસ્પિટલ ચોક પાસે રૂ. ૨૮.૮૨ કરોડના ખર્ચે આ બે બ્રિજ નિર્માણ પામશે. ગોંડલ શહેરમાં ગોંડલી નદી પર રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના બે બ્રિજ ઉપર ગોંડલ આસપાસના ગામો અને તાલુકાના વાહનોનો ખૂબ જ ટ્રાફિક રહેતો હતો.

આ ૧૦૦ વર્ષ જૂના બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવતા તેના સ્થાને ડાયવર્ઝન માટે માત્ર ૧ જ માર્ગ નેશનલ હાઈવે ૨૭ ગોંડલથી સુરેશ્વર ચોકડી સુધીનો ઉપલબ્ધ છે. એટલું જ નહિ,ભારે વરસાદના સમયમાં વિયર કમ કોઝવે પરથી પાણી પસાર થતું હોવાથી આ રસ્તો પણ બંધ થઈ જાય છે અને તમામ વાહનોને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં આવેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ગોંડલ નગરમાં બે નવા બ્રિજ બનાવવા માટે રૂ. ૫૬.૮૪ કરોડની રકમ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

આ બે નવા બ્રિજ નિર્માણ થવાથી ભાવનગર-આટકોટથી જુનાગઢ જતા વાહનોને તેમજ ઘોઘાવદર મોવીયાથી જુનાગઢ અને કોટડાથી જેતપુર-જુનાગઢ જતા વાહનોને ફોરલેન બ્રિજની સુવિધા મળતી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે નવા બ્રિજ ઉપરાંત ગોંડલી નદી પરના રાજાશાહી સમયના ૧૦૦ વર્ષથી વધુ સમયના બે હયાત બ્રિજના રિસ્ટોરેશન માટે પણ ૨૨.૩૮ કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે.

તદ્દઅનુસાર, સેન્ટ્રલ ટોકીઝથી સરકારી દવાખાના સુધીના હયાત બ્રિજનુ રૂ.૧૭.૯૦ કરોડ રૂપિયા તેમજ પાંજરા પોળ પાસેના હાલના સરદાર બ્રિજનું ૪.૪૭ કરોડ રૂપિયાના ખર્ચે રીસ્ટોરેશનનું કામ હાથ ધરાશે. આ બન્ને બ્રિજ હળવા વાહનો એટલે કે, લાઈટ મોટર Âવ્હકલ માટે ચાલુ રાખવામાં આવશે.

ભારે વાહનો તથા શહેરમાં બાયપાસ ટ્રાફિક માટે નવા નિર્માણ થનારા બે બ્રિજનો ઉપયોગ વાહનચાલકો કરી શકશે. મુખ્યમંત્રીએ નગરો-શહેરોમાં લોકોના ઈઝ ઓફ લિવીંગમાં વધારો થાય સાથે-સાથે વડાપ્રધાને આપેલા ‘વિકાસ ભી વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરી શકાય તેવા અભિગમથી ગોંડલમાં ૧૦૦ વર્ષથી વધુ સમયના બે બ્રિજના રિસ્ટોરેશન તથા બે નવા બ્રિજના નિર્માણની અનુમતિ આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલની હાલની વસ્તી ,આજુ બાજુના ગામો તથા તાલુકા જિલ્લાના બાયપાસ તેમજ શહેરના ટ્રાફિક સાથોસાથ આવનારા વર્ષોના વિકાસને ધ્યાનમાં લઈને આ બે નવા બ્રિજ ફોરલેન બનાવવાના દિશા નિર્દેશો પણ આપ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.