ગોંડલ અને કચ્છમાં કરા સાથે કમોસમી વરસાદ
(એજન્સી)રાજકોટ, ગોંડલ શહેર અને તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થવા પામ્યું છે. ત્યારે તાલુકાના અનિડા, ભાલોડી ગામમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે.
ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરાઈ હોવા છતાં વેપારીઓ તેમજ ખેડૂતો દ્વારા તેઓની જણસી અન્યત્ર જગ્યાએ ન ખસેડતા વરસાદમાં પલળી જવા પામી હતી. ત્યારે યાર્ડમાં ખુલ્લામાં પડેલ ઘઉ, ચણા, ડુંગળી સહિતની જણસીઓ પલળી જવા પામી હતી.
ત્યારે સતત કરા સાથે અચાનક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા. દરમ્યાન કચ્છના ગાંધીધામમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હોવાનું જાણવા મળે છે.
ચાલુ સાલ કમોસમી વરસાદ જાણે કેડો ન છોડતો હોય તેમ રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામા આવી છે. જેને લઈને ૭ એપ્રિલ સુધી વરસાદ થવાની હવામાન વિભાગે વકી વ્યક્ત કરી છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના જાેવા મળી રહી છે.
વધુમાં ૫ એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ મોરબી, જામનગર, સુરેન્દ્રનગર અને ભાવનગર, દ્વારકા, સુરત, તાપી અને ડાંગમાં વરસાદની આગાહીને લઈને અમુક શહેરોના વાતાવરણમાં બદલાવ પણ જાેવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે વારંવાર પવનની દિશા બદલાય છે પવનની દિશા બદલાવાથી હિમાલય તરફ જતું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યમાંથી પસાર થાય છે.