ગોંડલી નદી ગાંડી તૂર થઈ: આશાપુરા ડેમ છલકાયો
રાજકોટમાં મેઘરાજાની સારી બેટિંગ બાદ -નદીની આસપાસમાં રહેતા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા હતા
રાજકોટ, રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં પાછલા કલાકોમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે ગોંડલ પંથકના વિસ્તારોમાં આવેલા જળાશયોમાં નવા નિર્માણ આવ્યા હતા ત્યારે ગોંડલ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો મા પીવાના પાણી લઈને ખૂબ જ મહત્વનો ગણાતો આશાપુરા ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે.
જેથી ગોંડલ પંથકના લોકોમાં પણ ખુશી જાેવા મળી હતી. બે દિવસમાં ગોંડલ પંથકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો ગુરુવારે ત્રણ ઈચ જેટલો વરસાદ ગોંડલમાં આવ્યો હતો જ્યારે શુક્રવારે બે ઈચ જેટલો વરસાદ વરસ્યો હતો, આ ઉપરાંત આશાપુરા ડેમની ઉપર વાસના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો જેથી ડેમ ઓવરફ્લો થયો હતો.
આ સાથે જ સેતુ ડેમમાં પણ નવા નીર આવ્યા હતા. આશાપુરા ડેમ ઓવરફ્લો થતાં ગોંડલી નદી પણ ગાંડી તૂર થઈ છે. નદીની આસપાસમાં રહેતા ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા હતા. બાંદરા સહિતના ગ્રામ્ય વિસ્તારના લોકોને નદીના પટમાં ન જવા સૂચના આપવામાં આવી હતી.
શુક્રવારે વહેલી સવારથી ગોંડલ પંથકમાં વરસાદ વરસતા નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હતા. ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના લીધે અનેક નાના-મોટા ચેક ડેમો ઓવરફ્લો થયા હતા, તો કૂવા સહિતના જળાશયોમાં પણ જળસ્તર ઊંચા આવ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો દ્વારા વાવેતર શરુ કરવામાં આવ્યું છે. કપાસ મગફળી સહિતના ખેત પાકોને પણ આ વરસાદથી ખૂબ સારો ફાયદો થઈ શકે છે. થોડા સમય અગાઉ ખેડૂતોએ વાવણી કરી છે ત્યારે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિભારે અને કેટલાક ઠેકાણે અતિથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં લઈને સ્થાનિક વહીવટી તંત્ર સહિતના જરુરી વિભાગોને મહત્વની સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.