Western Times News

Gujarati News

નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ

સ્વચ્છતા અભિયાન-૨૦૨૩માં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓને જિલ્લા કલેક્ટરના હસ્તે એવોર્ડ અનાયત કરાયા

(માહિતી) રાજપીપલા, દેશના પૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારત રત્ન દિવંગત શ્રી અટલબિહારી વાજપેયીના જન્મ દિવસને કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા ગુડ ગવર્નન્સ એટલે કે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની આગેવાનીમાં સુશાસન દિવસની ઉજવણી કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી હતી.

સુશાસન દ્વારા જ રાજ્ય અને કેન્દ્ર સરકારશ્રીની યોજનાના લાભ છેવાડાના તમામ વર્ગના લોકો સુધી ટેક્નોલોજીના માધ્યમથી પહોંચાડી શકાય છે. આ સિદ્ધાંત સાથે આગળ ધપી રહેલું ગુજરાત રાજ્ય ગુડ ગવર્નન્સનું મોડેલ સ્ટેટ બન્યું છે. ત્યારે સંવેદનશિલ, પારદર્શક અને હકારાત્મક અભિગમ સાથે સુશાસનમાં અગ્રેસર એવા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ-૦૧, ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બની જોડાયા હતા અને મુખ્યમંત્રીશ્રીના પ્રેરક ઉદબોધનને સાંભળ્યું હતું.

નર્મદા જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન-૨૦૨૩ અંતર્ગત જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનારી કચેરીઓના અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર કચેરી (પુરવઠા), જિલ્લા આરોગ્ય વિભાગ અને દક્ષિણ ગુજરાત વીજ કંપની(નર્મદા)ને તેમની સારી કામગીરી બદલ બિરદાવાઈ હતી.

સુશાસન દિવસની ઉજવણીને સમાંતર જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પી.એમ જન મન કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. સુશાસન દિવસની ઉજવણી તેમજ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી કેતુલ ઈટાલિયા, શ્રી ડી.આર.સંગાડા, મામલતદારશ્રીઓ સહિત જિલ્લાની વિવિધ કચેરીના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.