ફેરિયા અને નાના વેપારીઓ માટે સારા સમાચારઃ વ્યાજખોરોની ચુંગાલમાં ફસાવું નહિં પડે
(એજન્સી)અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટે છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે વ્યાજખોરોના વિષચક્રમાંથી લોકોને મુક્તિ અપાવવા રાજ્ય સરકાર નાના વેપારીઓને ધિરાણ આપવાની શરૂઆત કરવા જઈ રહી છે. જે અંતર્ગત ૪ હજારથી વધુ ફેરિયાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધિરાણપત્ર આપવામાં આવશે. Good news for small traders:
ફેરિયાઓ અને નાના વેપારીઓને સરકારી યોજના હેઠળ ૧૦ હજાર, ૨૦ હજાર અને ૫૦ હજાર સુધીની લોન અપાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. પોલીસ દ્વારા ફેરિયાઓ સુધી પહોંચવા માટે વિવિઝ વિસ્તારમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં ૧૨ હજાર કરતા વધુ ફરિયાએ લોન માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી ૪ હજાર ૨૦૦થી વધુ ફેરિયાઓની લોન મંજૂર કરવામાં આવી છે. જેના ધિરાણ પત્ર શનિવારે સાયન્સ સીટી ખાતે મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેર પોલીસે વ્યાજખોરો સામે કરેલી ડ્રાઈવમાં ૧૫૪ વ્યાજખોરો સામે ૬૭ ગુના નોંધી ૧૦૭ લોકોની ધરપકડ કરી છે તેમજ ૪૬ લોકોની તપાસ પણ ચાલુ છે.રાજ્યમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ થોડા દિવસ અગાઉ જણાવ્યું હતું કે, વ્યાજખોરો કે વ્યાજનું રેકેટ ચલાવનારે ગુજરાત છોડવું પડશે. વ્યાજખોરોને ગુજરાત બહાર ભાગી જવા સિવાય હવે કોઈ રસ્તો નથી. વ્યાજનું દૂષણ ગુજરાતમાં નહી ચલાવી લેવાય. અવિરત અભિયાન ચલાવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
થોડા સમય પહેલા સુરત ખાતે પણ પોલીસ દ્વારા પોલીસના કોમ્યુનિટી હોલમાં લોન મેળાનું આયોજન કરાયું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોન લેવા માટે લોકો હાજર રહ્યા હતા. મોટાભાગે વ્યાજખોરોને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા. તેનાથી મુક્તિ આપવા માટે નવા અભિગમ સાથે સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લોકોને લોનની જરૂરિયાત છે તેઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીં જાેડાયા હતા.