મહાકુંભમાં ફરી ભીડ વધીઃ ગુગલ મેપ પર પણ રેડ એલર્ટ આવી જતાં ચિંતા વધી

રેલવેએ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી પ્લાન લાગુ કર્યો જનસેન ગંજથી સીધા સ્ટેશન જતો લીડર રોડ બંધ કરાયો
મહાકુંભમાં ફરી ચક્કાજામ, શેરી-રસ્તા બ્લાક, ચારેકોર માત્ર હોર્નના અવાજ
પ્રયાગરાજ, સાંજના લગભગ સાડા પાંચ વાગ્યા હતા. જનસેન ગંજથી લીડર રોડ સુધીનો આખો રસ્તો ભીડથી જામ થઈ ગયો હતો. ભારે ભીડના કારણે ભક્તો આગળ વધી શકતા ન હતાં.
પેસેન્જર માટેના આરામગૃહો મિનિટોમાં ભરાઈ ગયા હતા. સિવિલ લાઇન્સ સ્ટેશન પર પણ હજારો લોકો એકઠા થવા લાગ્યા. પ્રયાગરાજ જંકશન તરફ આવતા ત્રણ કિમી વિસ્તારમાં રસ્તાઓની સ્થિતિ ટીથર્ડ ડ્રોનમાં કેપ્ચર થઈ એટલે પ્રશાસને તુરંત એલર્ટ જાહેર કરી દીધું હતું. સમગ્ર પરિસ્થિતિ મૌની અમાસના દિવસે મચેલી નાસભાગ જેવી થઈ. ગુગલ મેપ પર પણ રેડ એલર્ટ આવી જતાં ચિંતા વધી હતી. ભીડ પણ સતત વધી રહી હતી.
રેલવેએ તાત્કાલિક ધોરણે ઈમરજન્સી પ્લાન લાગુ કર્યો. સાંજે છ વાગ્યે જનસેન ગંજથી સીધા સ્ટેશન જતો લીડર રોડ બંધ કરી દેવામાં આયો. બેરિકેડિંગ લગાવતી વખતે મુસાફરો સાથે ઝપાઝપી થઈ ગઈ. પરંતુ કડાઈથી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા અને ડાયવર્ઝનના તમામ રૂટને પણ બ્લોક કરવામાં આવ્યા.
લાકડા અને ટીનથી તમામ રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા. મુસાફરોને ચોકના માર્ગે સુખરોબાગ મોકલવામાં આવ્યા હતા. સુલેમસરાયથી નકાસ કોહના જઈ રહેલી રીના શર્માએ કહ્યું કે ‘મુડેરા, સુલેમસરાય, ધુમનગંજનો આખો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો. જ્યારે હું બેનીગંજ પુલ પરથી નીચે ઉતરી ત્યારે પરિસ્થિતિ ખૂબ જ વણસી હતી.’
લુકરગંજ, ખુલદાબાદ, ખુસરોબાગ ગેટથી ચોક સુધીના તમામ રસ્તાઓ પર બેરિકેડ લગાવવામાં આવ્યા. તમામ રસ્તાઓ લાકડા અને ટીન વડે બ્લોક કરી દેવામાં આવ્યા હતા. મુસાફરો ડાયવર્ઝન રૂટ દ્વારા જ પ્રયાગરાજ જંકશન તરફ જવા સક્ષમ હતા. આખા રસ્તા પર મૌની અમાસ જેવી જ ભીડ જોવા મળી.
રેલવેએ ઈમરજન્સી પ્લાન લાગુ કર્યા બાદ તાબડતોડ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન શરૂ કર્યું હતું.
દિશાવાર ટ્રેનો ભીડના અનુક્રમમાં મોકલવામાં આવી. ૧૦૦થી વધુ સ્પેશિયલ ટ્રેન અને રોજિંદા ટ્રેન સહિત ૩૦૦થી વધુ ટ્રેનનું સંચાલન કરવામાં આવ્યું. જો કે, જેટલી ઝડપથી ભીડ ઓછી થતી, તેટલી જ ઝડપથી વધુ ભીડ ઉમટી પડી. મિનિટોમાં આરામગૃહો ભરાઈ જતાં હતાં. ડાયવર્ટ રૂટ પર પણ ભક્તોની ઉમટી પડેલી ભીડથી સ્થિતિ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો.
કોતવાલી, શાહગંજ, ખુલ્દાબાદ, ખુસરોબાગ સહિતના વિસ્તારોમાં ચક્કાજામ થયો છે. ઈ-રિક્ષા પણ ટ્રાફિક જામમાં ફસાઈ ગઈ છે. એનસીઆરના સીપીઆરઓ શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે, સાંજે છ વાગ્યે ભારે ભીડના કારણે ખુસરોબાગના રસ્તાઓ વાહન વ્યવહાર માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતાં.