1 કરોડના ખર્ચે ગોતા અને ચાંદલોડિયામાં પરકોલેટિંગ વેલ બનાવવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થાય તે માટે વિવિધ વિસ્તારોમાં પરકોલેટિંગ વેલ બનાવવામાં આવી રહી છે. ખાનગી સોસાયટીઓમાં પણ આના માટે ખાસ બજેટ ફાળવવામાં આવે છે.
આ ઉપરાંત જે સ્થળે વરસાદી પાણીનો ભરાતા હોય અથવા તળાવ નજીક હોય તેવા સ્થળે પણ પરકોલેટિંગ વેલ બનાવવામાં આયોજન થઈ રહયા છે જે અંતર્ગત ગોતા અને ચાંદલોડિયામાં રૂ.એક કરોડના ખર્ચે પરકોલેટિંગ વેલ બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયાએ જણાવ્યું હતું કે, ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા અને ચાંદલોડીયા વોર્ડમાં જગતપુર ગામ તળાવ, વેર્સ્ટન પ્રાઈમ સામેનું તળાવ, ઓક્સિજન પાર્ક તળાવ, વંદેમાતરમ ડી. માર્ટની પાછળ આવેલ ગાર્ડનમાં, ગાયત્રી ગરનાળા વોટર લોગીંગ સ્પોટ પાસે આવેલ દુર્ગા સ્કૂલની પાસે આવેલા ગાર્ડનમાં, ઓગણજ તળાવ, દેવસીટી તળાવ, ઉમા ગ્રીન લેન્ડ તળાવ તથા એવરેસ્ટ એમ્પાયરની સામે આવેલી નર્સરી પ્લોટમાં તથા
અન્ય જગ્યાએ વરસાદી પાણી ભરાવવાની જગ્યાએ પરકોલેટીંગ વેલ બનાવવામાં આવશે. ૧૮૦થી ૨૦૦ મીટરની ઊંડાઈનો પાઇપ બનાવવામાં આવશે. એક પરકોલેટિંગ વેલ બનાવવાનો ખર્ચ અંદાજિત રૂ. ૧૦ લાખથી લઈ ૧૪ લાખ સુધીનો થાય છે. અલગ અલગ વિસ્તારોમાં પણ પરર્કોલેટિંગ વેલ બનાવવામાં આવશે. જેના માટે પાંચ જેટલા કોન્ટ્રાક્ટરોને કામગીરી સોંપવા અંગેનો નિર્ણય કમિટીમાં લેવામાં આવ્યો છે.
પ્રિ-મોન્સુન અંતર્ગત શહેરના સાત ઝોનમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે પરકોલેટિંગ વેલ બનાવવામાં આવશે. આ કામગીરી કરવાના કારણે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા હળવી થઈ શકે તથા પાણીના સ્તર ઉપર આવે તેમ છે.
પાંચ વર્ષના મેઇન્ટેનન્સ સાથે કામગીરી કરવામાં આવશે. અલગ અલગ વિસ્તારોમાં ૫૦થી વધુ જેટલા પરકોલેટિંગ વેલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવામાં આવે ના માટેની સૂચના પણ આપવામાં આવી છે.