Western Times News

Gujarati News

ગોતા, પાલડી અને બહેરામપુરામાં પાણીની જુની ટાંકીઓનું નવીનિકરણ કરવામાં આવશે

ર.પ૦ લાખ નાગરિકોને લાભ થશે ઃ શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારોમાં નર્મદાના નીર સપ્લાય કરવા શાસક પક્ષ કટીબધ્ધ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પીવાલાયક પાણીની સમસ્યા હળવી કરવા માટે નવી ટાંકી બનાવવામાં આવે છે તેમજ જે ટાંકીઓ જુની છે તેની ક્ષમતા ઓછી છે.

તેવી ટાંકીઓને નવી બનાવી તેના વિસ્તૃતિકરણ કરવામાં આવે છે. જેના કારણે તેની ક્ષમતામાં વધારો થાય છે અને વધુ નાગરિકોને તેનો લાભ પહોંચે છે. શુક્રવારે મળેલી વોટર સપ્લાય કમિટીની બેઠકમાં પશ્ચિમ, દક્ષિણ અને ઉ.પ.ઝોનને ત્રણ વોર્ડમાં આ રીતે જુની ટાંકીઓના નવીનીકરણ અને વિસ્તૃતિકરણ કરવાના કામ મંજુર કરવામાં આવ્યા છે. જેના કારણે અંદાજે ર.પ૦ લાખ નાગરિકોને પુરતા પ્રેશરથી પાણી સપ્લાય થઈ શકશે.

મ્યુનિ. વોટર સપ્લાય કમિટી ચેરમેન દિલીપ બગરિયાના જણાવ્યા મુજબ પશ્વિમ ઝોનના પાલડી વોર્ડમા આવેલ ફતેહપુરા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન આવેલ છે. જેમાં ૬.૫૦ મીલીયન લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા ૩ મીલીયન લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી મળી કુલ ૯.૫૦ મીલીયન લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી આવેલી છે. તથા ૧૦ લાખ લીટર ક્ષનતાની ઓવરહેડ ટાંકી આવેલ છે.

જેમાંથી દૈનિક ૯ થી ૯.૫૦ મીલીયન લીટર પાણી વિતરણ કરવામાં આવે છે. સદર જગ્યાએ ૧૦ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી તથા ૩ મીલીયન લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી જર્જરીત થયેલ છે. જેથી કોઈ અકસ્માત થવાથી પાણી વિતરણ વ્યવસ્થામાં વિક્ષેપ ના થાય તે માટે સદર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનને તબકકાવાર ઓગમેન્ટેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં પ્રથમ તબકકામાં ૨૫ લાખ લીટરની ઓવરહેડ ટાંકી તથા ૬.૫૮ લાખ લીટરની ભૂગર્ભ ટાંકી બનાવી વપરાશમાં મૂકી છે. અને બીજા તબકકામાં હયાત ઓવરહેડ ટાંકીની જગ્યા તથા જુના પંપહાઉસ તથા ભૂગર્ભ ટાંકી તોડીને પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. બીજા તબકકામાં બે ફેઝમાં કામગીરી કરવામાં આવશે.

જેમાં ફેઝ-૧ માં હયાત જુની ઓવરહેડ ટાંકી તથા જુના બંધ પંપહાઉસ તેમજ જુની ભૂગર્ભ ટાંકીને તોડી તેની જગ્યાએ પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી બનાવવામાં આવશે. તેને વપરાશમાં મુક્યા બાદ હયાત ચાલું પંપહાઉસમાંથી પંપીંગ મશીનરી કાઢીને પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકીને રીપેરીંગની કામગીરી કરવામાં આવશે. સદર કામગીરી કરવાથી ફતેહપુરા વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના ૨.૫ ચોરસ કીલોમીટર વિસ્તારમાં આશરે ૭૫,૦૦૦ જેટલી વસ્તીને પુરતા પ્રેશરથી પાણી વિતરણ કરી શકાશે. જેના માટે રૂપિયા ૧૯.૪૮ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

દક્ષિણઝોનમાં બહેરામપુરા વોર્ડમાં ચેપીરોગ દવાખાના વાળા મુખ્ય રોડ પર ચેપીરોગ દવાખાના પાસે ન્યુ સબર્બન વોટર વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન છે. જે લગભગ ૩૮ થી ૪૦ વર્ષ જુનું છે. જેમાં ૧૦૯ લાખ લીટરની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા ૧૩.૬૦ લાખ લીટરની ઓવરહેડ ટાંકી છે.આ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના સીવીલ સ્ટ્રક્ચર્સ જર્જરીત થઈ ગયેલ છે. જેમાં ઓવરહેડ ટાંકીની સ્ટ્રકચરરલ સ્ટેબીલીટી ચેક કરાવતાં ફેઈલ આવેલ જેથી કોઇ અકસ્માત ના થાય તે હેતુથી ઓવરહેડ ટાંકીનો વપરાશ બંધ કરી ઉતારી લેવા માટે અલગથી કાર્યવાહી ચાલું છે.

પંપ હાઉસ તેમજ ભૂગર્ભ ટાંકી પણ જર્જરીત થયેલ હોઇ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનની પાણી વિતરણ વ્યવસ્થા ચાલું રાખી વિસ્તૃતીકરણની કામગીરી કરવામાં આવશે. જેથી હયાત પાણી વિતરણ વ્યવસ્થામાં કોઇ વિક્ષેપ ના થાય તે રીતે હયાત જગ્યામાં ૪૦ લાખ લીટર ક્ષમતાની પંપહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી તથા ૨૫ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનાથી ન્યુ સબર્બન વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનના કમાન્ડ વિસ્તારમાં આશરે ૮૫૦૦૦ જેટલી વસ્તીને પુરતા પ્રેશરથી પાણી વિતરણ કરી શકાશે. જેના માટે રૂ ૨૫.૫૬ કરોડનો ખર્ચ થશે.

ઉત્તર પશ્ચિમ ઝોનનાં ગોતા વોર્ડમાં ચાણક્યપુરી રોડ પર અ.મ્યુ.કો દ્વારા બનાવવામાં આવેલ કોમ્યુનીટી હોલની પાસે ટી.પી. -૨૮, ફા.પ્લોટ નં – ૯૨ ખાતે કારગીલ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન છે. વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનની હયાત ક્ષમતા ૯૦.૦૯ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી અને પમ્પ હાઉસ તથા બીજી ૯.૭૧ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી તથા જુનું બંધ પમ્પ હાઉસ એમ કુલ ૯૬.૮૦ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી આવેલ છે.

જે પૈકી ૯.૭૧ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભટાંકી તથા જુનું બંધ પમ્પ હાઉસ જર્જરીત છે. વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશન મારફતે તેના કમાન્ડ વિસ્તારમાં સવારે ૬ઃ૦૦ થી ૮ઃ૦૦ એમ બે કલાકમાં ચાણક્યપુરી ઓવર બ્રીજ થી ચાણક્યપુરી રોડ થી એસ.જી. હાઇવે થી સોલા ઓવર બીજ થી રેલ્વે સમાંતર વિસ્તારનાં આશરે ૩.૫૦ ચો.કિમી વિસ્તારમાં દૈનિક સરેરાશ ૯૫ લાખ લીટર પાણી વિતરણ કરવામાં આવે છે.વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનાં કમાન્ડ વિસ્તાર વસ્તીની દ્રષ્ટ્રીએ ખુબ ગીચ હોઇ પૂર્ણ પ્રેસરથી પાણી ન મળવાની ફરીયાદો આવે છે.

તેમજ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનાં કમાન્ડ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ડેવલપમેન્ટ થઈ રહેલ હોઈ પાણીની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ૯.૭૧ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી તથા જુનું બંધ પમ્પ હાઉસ તોડી ૪૮.૩૦ લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ ટાંકી તથા ૨૫ લાખ લીટર ક્ષમતાની ઓવરહેડ ટાંકી બનાવાનું આયોજન છે. આ કામગીરી કરવાથી કારગીલ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનનાં ૩.૫૦ ચો. કિમી વિસ્તારમાં આશરે ૯૫૦૦૦ જેટલી વસ્તીને પુરતા પ્રેશરથી પાણી પુરુ પાડી શકાશે. આ કામ માટે રૂ ૧૩.૨૦ કરોડનો ખર્ચ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.