સરકારી દવાખાનામાં ૧પ ડોકટરો રજા પર, ર૩ ડોકટરોની ઘટ
અરવલ્લીમાં બાળ રોગોના કેસો વધી રહ્યા છે ત્યારે નિષ્ણાત ડોકટરની નિમણુંક પણ જરૂરી
મોડાસા, સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસે ભરડો લીધો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સરકારી બાળરોગ નિષ્ણાત એક જ તબીબ છે.
જોકે, અરવલ્લી જિલ્લાના ચાંદીપુરા વાયરસના અસરગ્રસ્ત દર્દીઓ મોટાભાગે સાબરકાંઠાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા મજબૂર બન્યા છે.
જોકે સાબરકાંઠા જિલ્લામાં ૧ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ડોકટરની અછત છે ત્યારે ચાંદીપુરા વાયરસ રોગ વચ્ચે ડોકટરોની ખાલી જગ્યાએ ભરવી જરૂરી છે. જયારે અરવલ્લી જિલ્લામાં બોન્ડ આધારીત ૧પ તબીબ રજા ઉપર છે અને ર૩ મેડિકલ ઓફિસરની ઘટ છે. જિલ્લાની બાળકોની હોસ્પિટલમાં રોજ પ૦ થી ૬૦ બાળ દર્દીઓ સારવાર માટે આવે છે.
હાલની ચોમાસાની સિઝનમાં ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં રોજના ૧પ થી ર૦ બાળકોમાં ફલુની બીમારી જણાઈ આવે છે. તેમાં પણ જિલ્લામાં નિષ્ણાંત તબીબોના અભાવે ચાંદીપુરા સંક્રમિત બાળકોને હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાની નોબતથી ફરજ પડે છે ગ્રામ્ય વિસ્તારમાંથી પુનાની ટીમે ગાય, ભેંસ, મચ્છર બ્લડના સેમ્પલ લીધા છે.
અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સહિત સિઝનેબલ વાયરસની બીમારીઓ વધી છે. ચોમાસુ ઋતુમાં પાણીજન્ય બીમારીનો વ્યાપ વધ્યો છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે મહિનામાં ઝાડા અને ઉલટીના પપ૦ કેસ નોંધાયા છે. જિલ્લામાં ચાંદીપુરાના વધતા જતા કેસોને લઈ આરોગ્ય વિભાગની ર૮૩ ટીમો દ્વારા સર્વે અને ૪૮,૧૬પ ઘરોમાં ડસ્ટીંગ કરાયું છે તથા બાયડમાં ડાયેરિયાની બિમારીના દર્દીઓ વધ્યા છે. જિલ્લાના ભેજવાળા વાતાવરણમાં ઉધરસ, તાવ, ઝાડા અને ઉલટીના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. જયારે ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે વડાલીના પી.એચ.સી.માં કાયમી ડોકટર જ નથી.