નિર્ભયા કેસમાંથી સરકારે હજુ સુધી કોઈ પાઠ શીખ્યો નથીઃ MP હાઇકોર્ટ
ઈન્દોર, ચાર વર્ષની બાળકી પરના રેપ કેસમાં સજા સામેની સગીર આરોપીની અપીલને ફગાવી દેતા મધ્યપ્રદેશ હાઈકોર્ટે આકરા અવલોકન કરતાં જણાવ્યું હતું કે ૨૦૧૨ના નિર્ભયા ગેંગ-રેપ કેસમાંથી સરકારે કોઈ પાઠ શીખ્યો નથી અને દેશોમાં કિશોર આરોપીઓ સાથે ખૂબ જ હળવાથી કામ લેવામાં આવે છે.
આ દેશની અદાલતોએ વારંવાર અવાજે ઉઠાવ્યો છે, પરંતુ સરકારને નિર્ભયા કેસના એક દાયકા પછી પણ કોઇ અસર થઈ નથી. કોર્ટે તેના આદેશની નકલ કેન્દ્રીય કાયદા સચિવને મોકલવાનો પણ આદેશ આપ્યો હતો.
૧૧ સપ્ટેમ્બરે પસાર કરાયેલા આદેશમાં હાઈકોર્ટની ઈન્દોર બેંચના જસ્ટિસ સુબોધ અભ્યંકરે ૨૦૧૭માં ચાર વર્ષની બાળકીના બળાત્કારના કેસમાં નીચલી અદાલતની સજા સામે આરોપીએ દાખલ કરેલી અપીલને ફગાવી દેતી વખતે આ આકરા અવલોકનો કર્યા હતાં.
૨૦૧૭માં બળાત્કારની ઘટના સમયે દોષિતની ઉંમર ૧૭ વર્ષની હતી. તે તેની સજાના છ મહિના પછી ૨૦૧૯માં સાત અન્ય છોકરાઓ સાથે કિશોર સુધાર ગૃહમાંથી ભાગી ગયો હતો.
આ ઘટનાક્રમ પર નારાજગી વ્યક્ત કરતા હાઇકોર્ટે કહ્યું હતું કે આ અદાલતને ફરી એકવાર એ અવલોકન કરીને દુઃખ થાય છે કે આ દેશમાં કિશોરો સાથે ખૂબ જ ઉદારતાથી વર્તન કરવામાં આવે છે અને સરકારે પણ નિર્ભયાની ભયાનકતામાંથી હજુ સુધી કોઈ પાઠ શીખ્યો નથી, જે આવા ગુનાઓનો ભોગ બનેલા લોકો માટે નિરાશાજનક છે.
કોર્ટે જણાવ્યું હતું કે હાલના કેસમાં ઉપલબ્ધ તબીબી પુરાવાઓને જોતા તે કિશોર હતો ત્યારે તેનું વર્તન કેટલું શૈતાની હતું તે જોવા માટે નિષ્ણાતની જરૂર નથી અને તેની માનસિકતા એ હકીકત પરથી પણ જાણી શકાય શકાય છે કે તે ઓબ્ઝર્વેશન હોમમાંથી ફરાર થઈ ગયો છે. તે કદાચ શેરીના કોઈ અંધારા ખૂણામાં બીજા શિકાર માટે છુપાયેલો હશે અને તેને રોકનારું કોઇ નથી.SS1MS