ઉનાળામાં અવિરત વીજ પુરવઠો ચાલુ રાખવા સરકારની તડામાર તૈયારી
નવી દિલ્હી, હવામાન વિભાગે લાંબા અને ભીષણ ઉનાળાની આગાહી કરી છે ત્યારે સરકાર ઉનાળાની સીઝનમાં વીજળીની ઊંચી માગને પહોંચી વળવા માટે શક્ય તમામ શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે.
સરકારે તમામ વીજળી પ્લાન્ટને સંપૂર્ણ ક્ષમતા પર કામ કરવાની તાકીદ કરી છે, એમ ઉર્જા પ્રધાન આર કે સિંહે ગુરુવારે જણાવ્યું હતું. સરકારે મેન્ટેન્સ અથવા અન્ય કારણોસર બંધ રહેલા તમામ પ્લાન્ટોને ઝડપથી ફરી ચાલુ કરવા અને ચોક્કસ વપરાશકર્તાઓને માટેના જનરેટિંગ સ્ટેશનો પર ઉપલબ્ધ વધારાની વીજળીનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
સરકાર એ પણ સુનિશ્ચિત કરી રહી છે કે થર્મલ પાવર પ્લાન્ટ્સ પાસે જૂન સુધી ચાલે તેટલા કોલસાનો સ્ટોક ઉપલબ્ધ બને. સરકારે તમામ પાવર યુનિટ્સને સરપ્લસ વીજળી પાવર એક્સ્ચેન્જમાં ઓફર કરવાની પણ સૂચના આપી છે. પ્રધાને કોઈપણ વિક્ષેપ વિના ઉનાળાની ટોચની માંગને પહોંચી વળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે અમે અમારી થર્મલ, હાઇડ્રો, રિન્યુએબલ અથવા ગેસ આધારિત પાવર પ્લાન્ટની તમામ ઉત્પાદન ક્ષમતાને એકજૂથ કરી રહ્યાં છીએ. તેથી મને લાગે છે કે અમે માંગને પહોંચી વળીશું. ઊર્જા મંત્રાલયના અંદાજ મુજબ આ ઉનાળામાં (એપ્રિલ-જૂન) વીજળીની ટોચની માગ ૨૬૦ ગીગાવોટ (જીડબલ્યુ) રહેશે, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ૨૪૩ ગીગાવોટના રેકોર્ડ કરતાં વધુ છે.
મંત્રાલયને ગયા વર્ષે ૨૨૯ જીડબલ્યુ પીક પાવર ડિમાન્ડનો અંદાજ હતો, પરંતુ કમોસમી વરસાદને કારણે સપ્ટેમ્બર ૨૦૨૩માં માંગ ૨૪૩ જીડબલ્યુ નોંધાઈ હતી, જે અત્યાર સુધીની સર્વોચ્ચ છે. આ વર્ષે ભારતીય હવામાન વિભાગ એ આગાહી કરી છે કે ભારતમાં એપ્રિલ-જૂન (ઉનાળા) સમયગાળા દરમિયાન ભીષણ ગરમીનો અનુભવ થશે. આ હીટવેવના દિવસો પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ, દેશના વિવિધ ભાગોમાં ૧૦ થી ૨૦ દિવસ સુધી હીટવેવ રહેવાની ધારણા છે. આર કે સિંહે જણાવ્યું હતું કે પાવર પ્લાન્ટ્સમાં કોલસાનો સ્ટોક સારો છે. હાલમાં આપણી પાસે લગભગ ૪૫ મિલિયન ટન (પાવર પ્લાન્ટ્સમાં) કોલસાનો સ્ટોક છે.SS1MS