Western Times News

Gujarati News

ટેક્નોલોજીનો ઉપયોગ કરી સરકારી જમીનો ખુલ્લી કરવાનો મહેસૂલ વિભાગનો નિર્ણય

File

ગાંધીનગર, રાજ્યમાં દબાણમુક્ત અભિયાનને વધુ વેગ આપવા માટે ગુજરાત સરકારે હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજીની મદદ લેવાનો નિર્ણય લીધો છે. રાજ્યના મહેસૂલ વિભાગે એક ઠરાવ જાહેર કરીને ૧૦ સૌથી વધુ દબાણગ્રસ્ત જિલ્લાઓમાં વર્ગ-૩ના ૮૬ કર્મચારીઓને તાત્કાલિક ભરતી કરવાના આદેશ આપ્યા છે.

આ નિર્ણયના ભાગરૂપે રાજ્ય સરકાર અત્યાર સુધીમાં ૨૨ જિલ્લાના અંદાજે બે કરોડ ચોરસ મીટરથી વધુ જમીન દબાણમુક્ત કરી ચૂકી છે અને હવે આ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે એઆઈ ટેક્નોલોજીનો સહારો લેવામાં આવશે. મહેસૂલ વિભાગના જણાવ્યા અનુસાર, સરકાર અત્યાર સુધી સરકારી પડતર જમીન, ખરાબા અને ગૌચર જમીન પર થયેલા દબાણ સામે કડક કાર્યવાહી કરી રહી છે.

નવી ભરતી અંતર્ગત, દબાણગ્રસ્ત ૧૦ જિલ્લામાં – કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, બનાસકાંઠા, સુરત, રાજકોટ, મોરબી અને વધુ એક જિલ્લામાં – ૪૩ નાયબ મામલતદાર અને ૪૩ કારકુનની નિમણૂક કરવામાં આવશે.

ઠરાવમાં જણાવાયું છે કે, ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મૂકતા અધિનિયમ – ૨૦૨૦ ની અસરકારક અમલવારી માટે આ તાત્કાલિક કામગીરી હાથ ધરાઈ છે. ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં આ જગ્યાઓ માટે મંજૂરી અપાઈ હોવાથી હવે તે અમલમાં મૂકવામાં આવી રહી છે. જમીન દબાણ સામેની કામગીરી માટે જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકારે ઈસરોની મદદથી એઆઈ આધારિત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિશાળ ડ્રાઈવ શરૂ કરી હતી.

જીઆઈએસ મેપિંગ, સેટેલાઈટ ઈમેજરી અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને તે વિસ્તારો ચિÂહ્નત કરવામાં આવ્યા છે જ્યાં લાંબા સમયથી દબાણો થયા હતા. અધિકારીઓએ જણાવ્યા મુજબ, આ નવી ભરતીનો ઉદ્દેશ્ય માત્ર દબાણ દૂર કરવો નહીં, પરંતુ દબાણ પહેલાંની સ્થિતિ ફરી સ્થિર કરવા માટે તંત્રને મજબૂત બનાવવાનો છે.

વધુમાં, એ.આઈ. ટેકનોલોજી દ્વારા મળેલી માહિતીને આધારે જમીન દબાણ સામે ઝડપી અને યોગ્ય કાર્યવાહી શક્્ય બનશે. મહેસૂલ વિભાગના સેક્શન ઓફિસર મયુર ગુપ્તાએ ઠરાવ પર સહી કરી છે અને જણાવાયું છે કે આવી કાર્યવાહી દ્વારા નાગરિકોને સરકારની જમીન પરના અધિકારો સુરક્ષિત મળશે તથા ગેરકાયદેસર દબાણો સામે તાકીદની કાર્યવાહી શક્ય બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.