પંજાબમાં કાગળો પર સરકારી અધિકારીઓએ નકલી ગામ વસાવી દીધું
અધિકારીઓએ ડેવલપમેન્ટનાં નામે લાખો રૂપિયા ચાંઉ કર્યા
ચંદીગઢ, દેશમાં નકલીની ભરમાર વચ્ચે હવે પંજાબમાં સરકારી અધિકારીઓએ કાગળ પર નકલી ગામ જ વસાવી લીધું. પંજાબના ફિરોઝપુર જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં સરકારી અધિકારીઓએ લાખો રૂપિયા ચાંઉ કરવા માટે કાગળો પર એક નકલી ગામ જ વસાવી દીધું.
આ નકલી ગામના નામ પર કેન્દ્ર સરકાર પાસેથી ૪૫ લાખ રૂપિયા લેવામાં આવ્યા. ત્યારબાદ વિકાસ કાર્ય માત્ર કાગળ પર જ કરાવી દેવામાં આવ્યું. આ મામલાનો ખુલાસો વર્ષો પછી ઇ્ૈં દ્વારા થયો છે. જિલ્લા વહીવટીતંત્રે આ સમગ્ર કૌભાંડની તપાસના આદેશ આપ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને ફિરોઝપુરની સરહદ પર સ્થિત નઈ ગટ્ટી રાજો કે ના નામ પર એક નકલી ગામ ન્યૂ ગટ્ટી રાજો કે ને કાગળો પર વસાવી દીધું. ત્યારબાદ આ નકલી ગામના વિકાસ કાર્યો કાગળો પર જ શરૂ કરી દેવામાં આવ્યા અને કેન્દ્ર સરકાર તરફથી મળેલી ૪૫ લાખ રૂપિયાની રકમ ચાઉં કરી ગયા. આ મામલો લગભગ પાંચ વર્ષ પહેલાનો છે, જ્યારે પંજાબમાં કોંગ્રેસની સરકાર હતી.
જ્યારે એક વ્યક્તિને આ કૌભાંડની જાણ થઈ ત્યારે તેણે ૨૦૧૯માં RTI દાખલ કરી અને સંબંધિત વિભાગ પાસેથી માહિતી માગી. આ દરમિયાન તેને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળવા લાગી. તેમ છતાં આ વ્યક્તિએ હાર ન માની. હવે આટલા વર્ષો પછી જ્યારે RTI દ્વારા જાણકારી મળી તો સામે આવ્યું કે, તે સમયના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ કાગળમાં જ ગામ વસાવતા રહ્યા અને કાગળોમાં જ વિકાસ કાર્ય કરતા રહ્યા. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી મળેલા લગભગ ૪૫ લાખ રૂપિયા ચાઉં કરી ગયા હતા.
આ કૌભાંડ અંગે માહિતી આપતાં બ્લોક કમિટીના સભ્ય ગુરદેવ સિંહે જણાવ્યું કે, અધિકારીઓએ લાખો રૂપિયાની ઉચાપત કરવા માટે એક નકલી ગામ બનાવ્યું અને તેના વિકાસના નામે લાખો રૂપિયાનું કૌભાંડ કર્યું અને કાગળોને ઓફિસની ફાઈલોમાં દબાવી દીધા. વર્ષો બાદ હવે સત્ય બધાની સામે છે.
આ સમગ્ર મામલાના ખુલાસા બાદ એડીસી ડેવલપમેન્ટ લખવિંદર સિંહ રંધાવાએ કહ્યું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે. જે પણ અધિકારી અને કર્મચારી આ કૌભાંડમાં સામેલ હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ ગ્રામજનોએ જણાવ્યું કે ફિરોઝપુરમાં ન્યૂ ગટ્ટી રાજો કે નામનું કોઈ ગામ જ નથી.