ત્રણ કલાકથી વધુ મોડી પડતી ફ્લાઇટ્સને રદ કરવા સરકારનો આદેશ
નવી દિલ્હી, ગાઢ ધુમ્મસને કારણે અનેક ફ્લાઇટ્સ વિલંબિત બની રહી ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સને ફ્લાઇટમાં કોઈપણ વિલંબની તાત્કાલિક મુસાફરોને જાણ કરવા તથા ત્રણ કલાકથી વધુ વિલંબિત ફ્લાઇટ્સ રદ કરવાનો આદેશ આપ્યો હતો.
બુધવારે નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુની અધ્યક્ષતામાં ધુમ્મસની તૈયારી અંગેની સમીક્ષા બેઠક પછી આ માર્ગદર્શિકા જારી કરાઈ હતી. પ્રધાને મુસાફરીની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા આપતા ‘ઈઝ ઓફ ફ્લાઈંગ’ વિઝન સાથે અનુરુપે પેસેન્જર-ફર્સ્ટ અભિગમ પર ભાર મૂક્યો હતો.
દિલ્હી જેવા એરપોર્ટ પર ખાસ કરીને ડિસેમ્બરમાં એરલાઇન્સને સીએટી ૨-૩ અનુરૂપ વિમાન અને તાલીમબદ્ધ પાઇલટ્સનો ઉપયોગ કરવાની તાકીદ કરાઈ છે. એરલાઇન્સને અસુવિધામાં ઘટાડો કરવા માટે ચેક-ઇન કાઉન્ટર પર સંપૂર્ણ સ્ટાફ જાળવવા અને સંદેશાવ્યવહારની સુવિધા માટે ટિકિટ બુક કરતી વખતે મુસાફરોની સચોટ સંપર્ક વિગતો રેકોર્ડ કરવાનો પણ આદેશ અપાયો છે.
માર્ગદર્શિકા મુજબ દિલ્હી એરપોર્ટના ઓપરેટર ડાયલએ વિઝિબિલિટીની સ્થિતિ અંગેના રીઅલ-ટાઇમ અપડેટ્સ એલઈડી સ્ક્રીન ઇન્સ્ટોલ કરવી પડશે તથા ઓછી-વિઝિબિલિટી દરમિયાન વિમાનને માર્ગદર્શન આપવા માટે ‘ફોલો મી’ વાહનોની સંખ્યામાં વધારો કરવો પડશે.
આ સપ્તાહે ધુમ્મુસને કારણે આશરે ૧૦૦ ફ્લાઇટ્સ વિલંબિત થઈ છે અને ૧૫ને ડાઇવર્ટ કરાઈ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઇન્સ, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને ગ્રાઉન્ડ હેન્ડલર્સ વચ્ચેના રીઅલ-ટાઇમ સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.SS1MS