Western Times News

Gujarati News

ગવર્નમેન્ટ પોલિટેકનિક, અમદાવાદના વિદ્યાર્થીએ વિકસાવ્યા ઇકો ફ્રેન્ડલી ‘વ્હાઈટ કોલ બ્રિકેટ્સ’

વિશ્વ પર્યાવરણ દિવસ -સાફલ્ય ગાથા -પર્યાવરણ માટે બેવડા ફાયદારૂપ બાયો ફ્યુઅલ – ‘વ્હાઈટ કોલ બ્રિકેટ્સ’

એનિમલ/બર્ડ બાય-પ્રોડક્ટ હવા અને જમીનને પ્રદૂષિત કરે છે. આથી તેના યોગ્ય નિકાલ માટે અને પરંપરાગત બળતણના વિકલ્પ તરીકે ઇકો ફ્રેન્ડલી બળતણ બનાવવાનો વિચાર આવ્યો :- મુર્તઝા રાજ

પ્રોડક્ટ ઈનોવેશન લેબ થકી સમાજમાં લોકોના રોજબરોજના જીવનમાં ઉદભવતા પ્રશ્નો અંગેના ઇજનેરી સમાધાનો શોધવા માટે પ્રયત્નો કરવામાં આવે છે :- ભાસ્કર ઐય્યર, આચાર્ય, ગવર્નમેન્ટ પોલિટેકનિક, અમદાવાદ

આ સ્ટાર્ટ અપ અત્યારથી પ્રોફિટ જનરેટ કરતું થઈ ગયું છે. આ બળતણ ખૂબ જ સસ્તા છે અને પર્યાવરણ માટે ખૂબ જ ફાયદારૂપ છે. :- પ્રોફેસર ઉર્વીશ સોની

આજના આધુનિક અને કહેવાતા ફાસ્ટ જમાનામાં વધી રહેલા ગ્લોબલ વોર્મિંગના ખતરા સામે પર્યાવરણને બચાવવા માટે દુનિયાભરમાં પુનઃ પ્રાપ્ત ઊર્જા સ્ત્રોતો અને ઓછું કાર્બન ઉત્સર્જન કરતા સ્ત્રોતોની માંગ વધી રહી છે ત્યારે અમદાવાદના વિદ્યાર્થીનું ઈકો ફ્રેન્ડલી અને લો કાર્બન એમિશન ધરાવતું ઇનોવેશન ટોક ઓફ ધ ટાઉન બની રહ્યું છે. Government Polytechnic, Ahmedabad student develops eco-friendly ‘white coal briquettes’

ગવર્નમેન્ટ પોલીટેકનિક,અમદાવાદના ઇન્સ્ટ્રુમેંટ એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગના વિદ્યાર્થી મુર્તઝા રાજે પોતાના ગાઈડ ઉર્વીશ સોનીનું માર્ગદર્શન અને પોતાના મિત્ર ગુંજન શાહની મદદ મેળવીને પરંપરાગત ઉર્જસ્ત્રોતના વિકલ્પ તરીકે એનિમલ બાય પ્રોડક્ટમાંથી ‘વ્હાઈટ કોલ બ્રિકેટ્સ’ વિકસાવ્યા છે.

એનિમલ બાયપ્રોડક્ટને પ્રોસેસ કરીને વિકસાવાયેલા આ બ્રિકેટ્સ પર્યાવરણને બેવડો ફાયદો કરે છે. એનિમલ/બર્ડ બાય પ્રોડક્ટ લાંબા સમય સુધી એમનેમ પડી રહે તો વાતાવરણમાં મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ ફેલાવીને જમીન અને વાતાવરણને પ્રદૂષિત કરે છે. એનિમલ/બર્ડ બાય પ્રોડક્ટ સાથે વાનસ્પતિક ચીજો કે અન્ય વસ્તુઓ મિક્સ કરીને આ બળતણની ફોર્મ્યુલા બનાવવામાં આવે છે. આ બ્રિકેટ્સનો ઇન્ડસ્ટ્રીમાં કોલસાની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે.

પોતાના ઈનોવેશન અંગે વાત કરતા મુર્તઝા રાજ જણાવે છે કે, એનિમલ/બર્ડ બાય-પ્રોડક્ટ પર્યાવરણને ખૂબ હાનિ પહોચાડતા હોય છે. તે હવા અને જમીન પ્રદૂષણ ફેલાવે છે. તેને નિકાલ કરવામાં પણ ઘણી સમસ્યાઓ આવતી હોય છે. આથી તેના યોગ્ય નિકાલ માટે અને પરંપરાગત બળતણના વિકલ્પ તરીકે ઇકો ફ્રેન્ડલી બળતણ બનાવવાનો વિચાર આવ્યો.

આ વિચાર મારા સર સાથે શેર કર્યો અને તેના માટે ઉકેલ શોધવાનું કામ શરૂ કર્યું. જેના ભાગરૂપે અમે અમારું ઇનીવેશન શરૂ કર્યું અને ઘણા પ્રયત્નોને અંતે એનિમલ બાય પ્રોડક્ટ અને વાનસ્પતિક ચીજ વસ્તુઓને પ્રેશરાઇઝડ કંપ્રેશન કરીને અમે ‘વ્હાઈટ કોલ બ્રિકેટસ’ ડેવલપ કર્યા, જેમાં કોઈ જ બાઈન્ડરની જરૂરિયાત રહેતી નથી.

આ બ્રિકેટસ કોલસો અથવા લાકડાના બળતણના સ્થાને બેસ્ટ ઇકો ફ્રેન્ડલી અને એફોર્ડેબલ વિકલ્પ બની શકે છે. આ બ્રિકેટસ ફાર્મા, થર્મલ પાવર પ્લાન્ટ, ડેરી ઇન્ડસ્ટ્રી સહિત ઘરગથ્થુ ઉપયોગ માટે પણ બળતણ તરીકે ઉપયોગમાં લઇ શકાય છે.

આ અંગે ઇન્સ્ટ્રુમેંટ કન્ટ્રોલ એન્જિનિયરિંગના પ્રોફેસર અને આ પ્રોજેક્ટના માર્ગદર્શક શ્રી ઉર્વીશ સોની જણાવે છે કે,  પ્રોડક્ટ ઈનોવેશન લેબ, ઇન્સ્ટ્રુમેંટેશન એન્ડ કન્ટ્રોલ એન્જિનિયરિંગ વિભાગના નેજા હેઠળ સમાજમાં જોવા મળતી સમસ્યાઓના ઉકેલ માટે મદદરૂપ પ્રોડક્ટ અને સોલ્યુશન સોધવામાં આવે છે.

‘AMBH (અંભ)’ આવું જ એક સ્ટાર્ટ અપ છે, જેનું પૂરું નામ ‘અમૃત ભૂમિ’ છે. પ્રકૃતિએ આપણને આપેલ અનેક ભેટોના બદલામાં AMBH (અંભ) દ્વારા અમે પ્રકૃતિને શુદ્ધ પર્યાવરણની ભેટ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સ્ટાર્ટ અપ અત્યારથી પ્રોફિટ જનરેટ કરતું થઈ ગયું છે. આ બળતણ ખૂબ જ સસ્તા છે અને પર્યાવરણ માટે ખૂબ જ ફાયદારૂપ છે.

આ અંગે ગવર્નમેન્ટ પોલિટેકનિક આંબાવાડી અમદાવાદના આચાર્ય શ્રી ભાસ્કર ઐય્યરે જણાવ્યું હતું કે, પોલિટેકનિક, આંબાવાડી ખાતે પ્રોડક્ટ ઈનોવેશન લેબમાં વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક પ્રોફેસર્સ દ્વારા સમાજમાં રોજબરોજના જીવનમાં ઉદભવતા પ્રશ્નો અને સમસ્યાઓ અંગેના ઇજનેરી સમાધાનો શોધવા માટે પ્રયત્નો કરવામાં આવે છે.

કોલેજ લેવલથી જ વિદ્યાર્થીઓમાં ઉદ્યોગ સાહસિકતા અને સંશોધન અંગે જાગૃતિ આવે અને વધુને વધુ વિદ્યાર્થીઓ ઈનોવેશન દ્વારા આત્મનિર્ભર બને તે અંગેના પ્રયત્નો સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બળતણને NABL નું સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થયું છે. નોર્મલ બિટુમિન કોલસો 3200 કિલો કેલરી પ્રતિ કિ. ગ્રા. ગ્રોસ કેલોરિફિક વેલ્યુ (GCV)  ઉત્પન્ન કરે છે, તેની સામે આ પ્રોડક્ટ 3800 કિલો કેલરી પ્રતિ કિ. ગ્રા. ઊર્જા ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત, તેની એશ કન્ટેન્ટ પણ 13% m/m જેટલી છે જે ગવર્મેન્ટના માપદંડોમાં યોગ્ય સાબિત થાય છે.

ઔધોગિક એકમોમાં બળતણ તરીકે વપરાતો કોલસાનો ભાવ 3000 રૂપિયા પ્રતિ ટન જેટલો હોય છે જેની સામે આ બ્રીકેટ્સ માત્ર 1000 પ્રતિ ટનના ભાવે તેઓ વેચે છે. આમ, આ સફેદ બળતણ પર્યાવરણ માટે પણ લાભદાયી છે અને કિંમતો પણ પરંપરાગત બળતણ કરતા ઘણી ઓછી છે.

આ બળતણ અન્ય બળતણ કરતા ઝડપથી સળગે છે અને ધુમાડો ફેલાવતા નથી. સંશોધક વિદ્યાર્થી એક મહિનામાં આ બ્રિકેટ્સનું એક લાખ રૂપિયા જેટલું વેચાણ કરી ચૂક્યા છે.  આલેખન :- મિનેશ પટેલ, પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.