પરાળી સળગાવનારા ખેડૂતો પાસેથી સરકારે અનાજ ન ખરીદવું જાેઈએઃ સુપ્રીમ કોર્ટ
(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી થઈ હતી જેમાં કોર્ટે કહ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના જ પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે તેના પર કડક પગલાં લઈ રહી નથી. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આર્થિક લાભ શા માટે આપવો જાેઈએ? કોર્ટે વધુમાં કહું કે સરકારે એવા ખેડૂતો પાસેથી અનાજ ન ખરીદવું જાેઈએ કે જેઓ પરાળી સળગાવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ મામલે સુનાવણી દરમિયાન પંજાબના વકીલને પૂછ્યું કે કેટલાક ખેડૂતો લોકોની પરવા કર્યા વિના ખેતરોમાં પરાળી સળગાવી રહ્યા છે તો સરકાર શા માટે કડક પગલાં લઈ રહી નથી, જેના જવાબમાં પંજાબ સરકાર તરફથી હાજર વકીલે કહ્યું હતું કે સરકારે પગલાં લીધાં છે જેમાં પરાળી સળગાવનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે, લગભગ ૧૦૦ એફઆરઆઈનોંધી છે અને ૨ કરોડ રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે. તેમજ અમારું સૂચન છે કે કેન્દ્ર અને તમામ રાજ્યોએ સમયસર સાથે મળીને કામ કરવું જાેઈએ જેથી આગામી સિઝનમાં આ સ્થિતિ ઊભી ન થાય.
આના જવાબમાં કોર્ટે કહ્યું કે આગામી સિઝનની રાહ જાેવાની જરૂર નથી. અમે મામલાની દેખરેખ રાખીશું. આ ઉપરાંત કોર્ટે કહ્યું કે કાયદાનું ઉલ્લંઘન કરનારા લોકોને આર્થિક લાભ શા માટે આપવો જાેઈએ? અને વધુમાં કહ્યું હતું કે એફઆરઆઈઅને દંડ ઉપરાંત તેમને એમએસપીથી પણ વંચિત રાખવા જાેઈએ. કોર્ટે વધુમાં કહ્યું કે સરકારે એવા ખેડૂતો પાસેથી અનાજ ન ખરીદવું જાેઈએ કે જેઓ પરાળી સળગાવી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે જાે કે એ વાત પણ સાચી છે કે જ્યારે પંજાબમાં એમએસપીમાટે અન્ય રાજ્યોનું અનાજ વેચી શકાય છે, તો પછી એક ખેડૂતનું અનાજ બીજા ખેડૂતને કેમ ન વેચી શકાય? તેથી કદાચ આ ઉકેલ નહીં આવે.