Western Times News

Gujarati News

હિન્દુમાંથી બૌદ્ધ ધર્મમાં પરીવર્તન કરવાની ઘટના વધતાં સરકારે નિયમોનું કડક પાલન કરવા જીલ્લા મેજીસ્ટ્રેટને તાકીદ

બૌદ્ધ, શીખ કે જૈનમાં ધર્મ પરિવર્તનમાં પણ જાણ કરવી જરૂરી -હિન્દુમાંથી બૌદ્ધમાં ધર્મ પરીવર્તન કરાવતા પહેલાં જીલ્લા મેજીસ્ટ્રેટની મંજૂરી જરૂરી

(એજન્સી) ગાંધીનગર, રાજયના ગૃહ વિભાગે હિન્દુમાંથી શીખ, જૈન, કે બૌદ્ધ ધર્મ અંગીકાર પૂર્વે જીલ્લા મેજીસ્ટ્રેટની મંજુરી લેવાની રહેશે તેમ સ્પષ્ટ કર્યું છે. છેલા કેટલાક સમયથી ખાસ કરીને હિન્દુમાંથી બૌદ્ધ ધર્મમાં પરીવર્તન કરવાની ઘટના વધી છે.

ત્યારે રાજય સરકારે બૌદ્ધ ધર્મને અલગ ગણીને ધર્મ પરીવર્તન કરાવનારી વ્યકિતએ જીલ્લા મેજીસ્ટ્રેટની મંજુરી અને કરનારી વ્યકિતએ જાણ કરવાની રહેશે તેમ જણાવ્યું છે. જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીઓને પણ ધર્મ સ્વાતંત્રતાને લગતા અધીનીયમ ધ્યાને રાખી આ મુદે યોગ્ય નિર્ણય લેવા તાકીદ કરી છે.

ખાસ કરીને હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મમાં પરીવર્તન કરવા માટે મંજુરીની અરજી અંગે નિયમો અનુસાર કાર્યવાહી કરાતી નહી હોવાનું ગૃહ વિભાગમાં ધ્યાને આવ્યું છે. કેટલાક કિસસામાં અરજદારો અને સ્વાયત સંસ્થાઓ દ્વારા પણ હિન્દુમાંથી બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા માટે પૂર્વમંજુરીની જરૂર નથી તેવી રજુઆતો કરાતી હોય છે.

જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીઓ દ્વારા મનઘડત અર્થઘટન કરાતું હોય છે. જે કેસમાં અરજદાર દ્વારા મંજુરી મેળવવા માટે દરખાસ્ત કરાય છે. તેમાં જે તે કચેરી દ્વારા બંધારણના આર્ટીકલ અંતર્ગત હિન્દુ ધર્મમાં શીખ જૈન, અને બૌદ્ધ ધર્મના સમાવશ થતો હોઈ અરજદારને ધર્મ પરીવર્તન કરવા માટે મંજુરીની જરૂરીયાત રહેતી ન હોઈ આવી અરજી દફતરે કરાતી હોવાનું ધ્યાન પર આવ્યું છે.

તેના કારણે ધર્મ પરીવર્તન જેવાં સંવેદનશીલ મુદા અરજદારોને પાઠવાતા જવાબ ન્યાયીક લીટીગેશનમાં પરીણમે તેવી સંભાવના છે. ગૃહ વિભાગ દ્વારા હિન્દુ ધર્મમાંથી શીખ, જૈન, બૌદ્ધ ધર્મ અંગીકાર કરવા મુદે પુનઃ સુચના જારી કરી તે કાર્ય પદ્ધતિ તાત્કાલીક અમલમાં મુકવા જણાવ્યું છે. ધર્મ સ્વતંત્રતાના અધીનીયમ મુજબ બૌદ્ધ ધર્મ એક અલગ ધર્મ ગણવાનો રહેશે

અને હિન્દુ ધર્મમાંથી શીખ જૈન કે બૌદ્ધ ધર્મ પરીવર્તન કરાવનારે જીલ્લા મેજીસ્ટ્રેટની નિયમ મુજબ પુર્વ મંજુરી મેળવવાની રહેશે. તેવી જ રીતે ધર્મ પરીવર્તન કરનારી વ્યકિતએ પણ યોગ્ય રીતે જીલ્લા મેજીસ્ટ્રેટને જાણ કરવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.