સરકારી ઘઉંમાં વજન વધારવા રેતી મિક્સ કરવામાં આવે છે
સતના, મધ્યપ્રદેશના સતનામાં ટેકાના ભાવ પર ખરીદાયેલા ઘઉંમાં ભેળસેળનો મામલો સામે આવ્યો છે. સરકારી ઘઉંના પેકિંગ દરમિયાન વજન વધારવા માટે ઘઉંમાં રેતી અને ધૂળ મિક્સ કરવામાં આવી રહી છે. ઘઉંમાં રેતી મિક્સ કરતા લોકોનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ મામલો મધ્યપ્રદેશના સતનાના રામપુર બઘેલાન તાલુકાના બાંધા ગામનો છે.
ટેકાના ભાવે ખરીદાયેલ ઘઉંનો સંગ્રહ સાયલોમાં કરવામાં આવ્યો હતો. અહીં રેતી અને ધૂળ મિક્સ કરીને ઘઉંનું વજન વધારવાનો ખેલ ચાલી રહ્યો હતો. આ ઘટનામાં આરોપ છે કે ઘઉંની દરેક બોરીમાં ૪૦ કિલો ધૂળ, માટી અને રેતી મિક્સ કરવામાં આવી રહી છે. જ્યારે સાયલોમાં ઓપરેટર તરીકે કામ કરતા યુવકને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો ત્યારે તેણે આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ ૬ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. સ્થાનિક પ્રશાસને આ મામલાની તપાસ કરવાની સૂચના આપી દીધી છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ યુવકનું નામ આયુષ પાંડે છે જેણે વીડિયો બનાવીને વાઈરલ કર્યો હતો. તેણે કહ્યું હતું કે એક બોરી ખોલ્યા બાદ ૩૦-૪૦ ક્વિન્ટલ માટી રેડવામાં આવી હતી. હું સ્ટાફમાં હતો અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતો હતો. આ બાબતે મેં વાંધો પણ ઉઠાવ્યો હતો. મને ૧૦ દિવસ પછી પણ કોઈ જવાબ મળ્યો નથી. આ સાથે જ કંપનીના મેનેજરનું કહેવું છે કે અહીં કોઈ ભેળસેળ કરવામાં આવતી નથી.
સ્થાનિક પોલીસ એએસપી એસકે જૈને જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ બાદ આ ઘટનામાં ૬ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમની સામે આપીસીની કલમ ૪૨૦, ૪૧૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે સીએમ શિવરાજ સિંહ ચૌહાણ સાથે પણ વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં પણ આવા કિસ્સાઓ સામે આવે છે ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવે છે.