જો ખેડૂતો રસાયણિક ખેતી નહીં છોડે તો, આવનારી પેઢીઓ માટે કંઈ નહીં બચે : રાજ્યપાલ
વેદ વિના મતિ નહીં અને ગાય વિના ગતિ નહીં : હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈની
મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિના અવસરે ગુરુકુલ કુરુક્ષેત્રમાં આર્ય મહાસંમેલનનું આયોજન
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિના અવસરે ગુરુકુલ કુરુક્ષેત્રમાં આયોજિત આર્ય મહાસંમેલનમાં વિશાળ સંખ્યામાં ઉમટેલા જનસમૂહને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં વેદ અને ગાયનું વિશેષ મહત્વ છે. અહીં ‘વેદ વિના મતિ નથી અને ગાય વિના ગતિ નથી‘ કહેવત પ્રખ્યાત છે. આર્ય સમાજના સંસ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સમાજમાં વેદોના વ્યાપક પ્રચાર પ્રસાર માટે કામ કર્યું, અને ગાયના મહત્વને ઉજાગર કરતાં ‘ગોકરુણાનિધિ‘ નામનું એક સંપૂર્ણ પુસ્તક પણ લખ્યું. સમાજને ગાયની ઉપયોગિતા સમજાવી.
હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબસિંહ સૈનીએ ગુજરાતના રાજ્યપાલ અને ગુરુકુલ કુરુક્ષેત્રના સંરક્ષક શ્રી આચાર્ય દેવવ્રતજીની કાર્યશૈલીની પ્રશંસા કરતાં જણાવ્યું કે, આચાર્યજીએ આ ગુરુકુલ જ્યારે જર્જરીત સ્થિતિમાં હતું ત્યારે તેનું સુકાન સંભાળ્યું
અને નિસ્વાર્થ ભાવે દ્રઢ ઇચ્છાશક્તિથી કાર્ય કરીને તેને સફળતાના શિખરે પહોંચાડ્યું. તેમની જ મહેનતનું પરિણામ છે કે, ગુરુકુલ કુરુક્ષેત્ર આજે દેશનું એકમાત્ર એવું સંસ્થાન બન્યું છે, જ્યાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થી NDA, NEET, IIT, NIT માટે પસંદગી પામે છે.
મહર્ષિ દયાનંદજીની 200મી જન્મ જયંતિ પર તમામ આર્યજનોને અભિનંદન પાઠવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, સ્વામીજીએ હંમેશા સમાજની ઉન્નતિ માટે કાર્ય કર્યું. તેમણે સમાજમાં ફેલાયેલો પાખંડ, અંધશ્રદ્ધા, નાત જાતના ભેદ, સતીપ્રથા જેવી કુરીતિઓને નાબૂદ કરી અને મહિલા શિક્ષણ, વિધવા વિવાહ, ભાઇચારો, રાષ્ટ્રપ્રેમ અને ગૌરક્ષા પ્રત્યે નવી જાગૃતિ પેદા કરી.
મહાસંમેલનને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતી પહેલા એવા વ્યકિત હતા જેઓએ અંગ્રેજોના શાસનમાં ‘સ્વરાજ‘નો નારો આપ્યો. તેમનામાંથી પ્રેરણા લઈને ભગત સિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, મદનલાલ ઢીંગરા, સ્વામી શ્રદ્ધાનંદ જેવા વીર સપૂતોએ દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી દીધું. અંગ્રેજોએ પ્રાચીન શિક્ષણ પદ્ધતિને નાબૂદ કરવા પ્રયત્નો કર્યા, તેમ છતાં સ્વામીજીના અનુયાયીઓએ ગુરુકુલ કુરુક્ષેત્ર, ગુરુકુલ ઇન્દ્રપ્રસ્થ, ગુરુકુલ સૂપા જેવા સંસ્થાનોની સ્થાપના કરીને ગુરુકુલ પદ્ધતિને પુનઃ પ્રસ્થાપિત કરી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની નીતિઓનો ઉલ્લેખ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી દેશની પ્રગતિ માટે પૂર્ણતઃ સમર્પિત છે અને ભારતીય સંસ્કૃતિ, યુવા પેઢીમાં સંસ્કાર અને નૈતિક મૂલ્યોના શિક્ષણ સાથે ‘વિકસિત ભારત‘નું નિર્માણ કરવા માંગે છે. આ સંકલ્પ અંતર્ગત તે દેશી ગાય પર આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.
તેમણે ચેતવણી આપી કે, રસાયણિક ખેતીના કારણે જમીન બંજર થઈ રહી છે, પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને મિત્ર જીવો વિલુપ્ત થઈ રહ્યા છે. જો ખેડૂતો રસાયણિક ખેતી નહીં છોડે તો, આવતી પેઢીઓ માટે કંઈ નહીં બચે. આજકાલ કેન્સર, હૃદય રોગ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવી ગંભીર બિમારીઓ ઘેર-ઘેર છે. વૈજ્ઞાનિકોનું સંશોધન તો ત્યાં સુધી કહે છે કે, મા ના દૂધમાં પણ યુરિયાની માત્રા જણાઈ છે. આ સમસ્યાનો એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે. શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ગુજરાતમાં 10 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને સુખમય જીવન જીવી રહ્યા છે.
તેમણે આર્ય મહાસંમેલનમાં આવેલા આર્યજનોને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અપીલ કરી. અંતમાં હરિયાણાના મુખ્યમંત્રીએ આચાર્યજી સાથે ગુરુકુલની NDA વિંગનું નિરીક્ષણ કર્યું.
આ પ્રસંગે પરોપકારી સભા, અજમેરના મહામંત્રી કનૈયાલાલ આર્ય, આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ દેશબંધુ આર્ય, મહામંત્રી ઉમેદ શર્મા, ગુરુકુલના પ્રમુખ રાજકુમાર ગર્ગ, ડાયરેક્ટર બ્રિગેડિયર ડૉ. પ્રવીણકુમાર, આચાર્ય સૂબે પ્રતાપ, ઉત્તર પ્રદેશ આર્ય પ્રતિનિધિ સભાના પ્રમુખ દેવેન્દ્રપાલ વર્મા, હરિયાણાના પૂર્વ મંત્રી સુભાષ સુધા, ડીડી શર્મા, સુભાષ કલસાના, સુશીલ રાણા સહિત વિવિધ સ્થળેથી આવેલા આર્ય વિદ્વાનો ઉપસ્થિત રહ્યા. મંચ સંચાલન વૈદિક વિદ્વાન ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર દ્વારા કરવામાં આવ્યું હતું.