રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યુવા શક્તિનું મહત્વપૂર્ણ યોગદાન – રાજ્યપાલ
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે દિલ્હીથી શરૂ થયેલી “ફ્રીડમ મોટો રાઈડ” બાઈક રેલીને રાજભવન ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કરાવતા રાજ્યપાલશ્રી
75 બાઈક સવારનો નિર્ધાર: 75 દિવસમાં 18000 કિલોમીટરના ભારત ભ્રમણ દ્વારા દેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વૈભવને અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટને જન જન સુધી પહોંચાડશે
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત્તે ઓલ ઇન્ડિયા મોટર બાઈક એક્સપીડિશન-2022 દ્વારા યોજાયેલી “ફ્રીડમ મોટો રાઈડ” બાઈક રેલીને રાજભવન, ગાંધીનગર ખાતેથી લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં યુવાશક્તિનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
રાજ્યપાલશ્રીએ આ બાઈક રેલીને દેશને જોડવાના પુરુષાર્થ સમાન ગણાવી જણાવ્યું હતું કે ભારત દેશ અતીતના ગૌરવને હૃદયમાં સ્થાપિત કરીને વૈશ્વિક સિદ્ધિના નુતન શિખર હાંસલ કરી રહ્યો છે. આજે ભારતનું સમગ્ર વિશ્વમાં ગૌરવ સ્થાપિત થયું છે જેમાં દેશની યુવાશક્તિનું યોગદાન અગ્રેસર છે.
રાજ્યપાલશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવને શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો ઉત્સવ ગણાવ્યો હતો. રાજ્યપાલશ્રીએ આઝાદીના અમૃત મહોત્સવની આ પ્રેરણા તેમજ ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વૈભવને અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ફ્રીડમ મોટો રાઈડ બાઈક રેલી દ્વારા ભારત ભ્રમણ માટે નીકળેલા સૌ સાહસવીરોને આ પ્રસંગે લક્ષ્ય સિદ્ધિ માટે શુભકામનાઓ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ભારત સરકારના રમતગમત અને યુવા બાબતોના મંત્રાલયના સહયોગથી અને ઓલ ઇન્ડિયા મોટર બાઈક એક્સપીડીશન – 2022 દ્વારા યોજાયેલી આ “ફ્રીડમ મોટો રાઈડ” બાઈક રેલીમાં જોડાયેલા 75 મોટરસાયકલ સવાર ભારત ભ્રમણ દરમિયાન 75 દિવસમાં 18,000 km થી વધુ અંતર કાપીને 34 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લઈ,
દેશના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વૈભવ અને ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ પ્રત્યે લોકોને જાગૃત કરી રહ્યા છે. કેન્દ્રના ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે 9મી સપ્ટેમ્બરે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતેથી આ બાઈક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બાઈક રેલી તારીખ 17 નવેમ્બરના રોજ ગુજરાત પહોંચી હતી અને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ સાબરમતી આશ્રમ જેવા સ્થળોની મુલાકાત લીધા બાદ આ બાઈક રેલી ગુજરાતથી મધ્યપ્રદેશ તરફ જવા રવાના થઈ હતી.
રાજભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર શ્રી મણીકાંત શર્મા, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ શ્રી આર.ડી ભટ્ટ, ફ્રીડમ મોટો રાઈડ ઇન્ડિયાના સીઈઓ શ્રી મેહુલ બારોટ અને ડિરેક્ટર શ્રી હર્ષલ મોદી, વિંગ કમાન્ડર શ્રી ધર્મેન્દ્ર શર્મા (સે. નિ.), સ્પેશિયલ ઓલમ્પિક ભારતના ડો. ડી. જી. ચૌધરી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.