Govt Job: રાજ્ય સરકારના બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓનું આયોજન કરાશે
રાજ્ય સરકારના કર્મચારીઓ / અધિકારીઓ માટે હિતલક્ષી નિર્ણય-ખાતાકીય પરીક્ષા પ્રક્રિયા અને પધ્ધતિ સંદર્ભે ડેટાબેઝ તૈયાર કરાશે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠક સંદર્ભે પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા કહ્યું કે, રાજ્ય સરકારના વિવિધ સંવર્ગોમાં બઢતી માટે અધિકારી/કર્મચારીઓની ખાતાકીય પરીક્ષાઓ ઝડપથી લેવા માટે રાજય સરાકારે સુદ્રઢ આયોજન કર્યું છે. (Government Job Promotion Gujarat)
વધુમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારના કર્મચારી/અધિકારીઓના હિતને ધ્યાને લઇને બઢતી માટેની ખાતાકીય પરીક્ષાઓ વહેલી તકે યોજાય તે દિશામાં આયોજન હાથ ધર્યું છે. જે તે સંવર્ગ માટે ખાતાકીય પરીક્ષા છેલ્લે ક્યારે યોજાઇ, પરીક્ષા લેતી સંસ્થાઓની સજ્જતા, પરીક્ષા લેવાની વિવિધ બોર્ડની વાર્ષિક ક્ષમતા વગેરે બાબતો સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવશે. આ ડેટાબેઝ વિવિધ સંવર્ગો માટેની ખાતાકીય પરીક્ષાના સુવ્યવસ્થિત આયોજન સંદર્ભે મદદરૂપ બનશે.
જે સંવર્ગો માટેની ખાતાકીય પરીક્ષાનું માળખુ જટીલ છે, તેવા સંવર્ગો માટે ખાતાકીય પરીક્ષાનું માળખું સરળ કરી અભ્યાસક્રમોની સમીક્ષા પણ કરાશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ.