ગવર્મેન્ટ પોલિટેક્નિક કોલેજ દ્વારા પાંજરાપોળ ક્રોસ રોડ ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયું
કોલેજના સ્કાઉટ્સ, ગાઈડ્સ, રોવર્સ–રેન્જર્સ અને સ્વયંસેવક વિદ્યાર્થીઓ ટ્રાફિક જાગૃતિ અભિયાનમાં સહભાગી થયા
નાગરિકો માર્ગ સુશાસનને અપનાવે, ટ્રાફિક નિયમન બાબતે સાવચેતી રાખે અને અકસ્માતો અટકાવી શકાય, તે ટ્રાફિક જાગૃતિ અભિયાનનો મુખ્ય હેતુ
અમદાવાદમાં ગવર્મેન્ટ પોલિટેક્નિક કોલેજ, આંબાવાડીના સ્કાઉટ્સ, ગાઈડ્સ, રોવર્સ-રેન્જર્સ અને સ્વયંસેવક વિદ્યાર્થીઓ દ્વારા પાંજરાપોળ ક્રોસ રોડ ખાતે ટ્રાફિક જાગૃતિ અભિયાન યોજાયું હતું.
આ અભિયાન અંતર્ગત માર્ગ સુરક્ષા અને જવાબદાર ડ્રાઈવિંગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ હેઠળ પોસ્ટર અને બેનર સાથે એક રેલી યોજાઈ હતી, જેમાં અસરકારક સ્લોગન દ્વારા લોકોનું ધ્યાન ટ્રાફિક નિયમોના પાલન તરફ આકર્ષવામાં આવ્યું હતું.
આ રેલીમાં ભાગ લેતાં વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ મુખ્ય વિસ્તારોમાં યાત્રા કરીને લોકોમાં માર્ગ સુશાસન વિશે જાગૃતિ ફેલાવવા પ્રયત્નો કર્યા હતા. આ અભિયાન ‘રાષ્ટ્ર માટે 1 કલાક’ (‘One Hour For Nation’)ના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવ્યું, જેથી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રેરિત થાય.આ અભિયાનના મુખ્ય ભાગમાં સ્વયંસેવકો અને સ્કાઉટ ગાઇડે મુસાફરો સાથે સીધો સંવાદ કરી, તેમને ટ્રાફિક સલામતીના નિયમોની માહિતી આપી હતી.
નાગરિકો માર્ગ સુશાસનને અપનાવે, ટ્રાફિક નિયમન બાબતે સાવચેતી રાખે અને અકસ્માતો અટકાવી શકાય તેમજ સૌની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે તે આ અભિયાનનો મુખ્ય હેતુ હતો.