Western Times News

Gujarati News

ગુજરાતમાં બકરીના દૂધના સંપાદન અને બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે સરકારની યોજના

રાજ્યમાં ગાય, ભેંસ અને ઊંટડીના દૂધ માટે જેમ અમૂલ બ્રાન્ડનુ ઉત્તમ સહકારી માળખુ ઉપલબ્ધ છે, બકરીના દૂધ માટે પણ અમૂલનું ઉત્તમ સહકારી માળખું કાર્યરત કરી શકાય તેમ છે. 

સુરેન્દ્રનગર જિલ્લા ઘેટા-બકરા ઉછેરક માલધારી સંગઠનની રજૂઆતને ધ્યાને લઇ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે બેઠક યોજી

ગુજરાત દૂધ ઉત્પાદન ક્ષેત્રે સતત આગળ વધી રહ્યું છે, જેના માટે ગાય-ભેંસના તેમજ કચ્છ જિલ્લામાં ઊંટડીના દૂધ માટે સંપાદન તેમજ બજાર વ્યવસ્થાનું અમૂલ બ્રાન્ડનુ ઉત્તમ સહકારી માળખુ સફળતાપૂર્વક કાર્યરત છે. પશુપાલકો સાથે સાથે ગુજરાતમાં બકરાપાલન વ્યવસાય સાથે સંકળાયેલ માલધારીઓને પણ બકરીનું દૂધ વેચીને આર્થિક રીતે સમૃદ્ધ અને સ્વનિર્ભર બને તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા સક્રિયપણે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લા ઘેટા-બકરા ઉછેરક માલધારી સંગઠન દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં બકરીના દૂધના સંપાદન-બજાર વ્યવસ્થા ઉભી કરવા માટે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પશુપાલન મંત્રીશ્રીએ આ રજૂઆતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ ગાંધીનગર ખાતે બેઠક યોજી હતી. જેમાં પશુપાલન નિયામક, ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પ્રતિનિધિ, સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના વરિષ્ઠ અધિકારીઓ, સુરેન્દ્રનગર જિલ્લા ઘેટા-બકરા ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ સહિત વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લી પશુ વસતી ગણતરી અનુસાર ગુજરાતમાં બકરી વર્ગના પશુઓની સંખ્યા ૪૮ લાખથી પણ વધુ છે. ગુજરાત દ્વારા થતા કુલ ૧૬૭ લાખ મે. ટન દૂધ ઉત્પાદનમાં બકરીના દૂધનો ફાળો ૨ ટકા જેટલો છે.

રાજ્યમાં ગાય, ભેંસ અને ઊંટડીના દૂધ માટે જેમ અમૂલ બ્રાન્ડનુ ઉત્તમ સહકારી માળખુ ઉપલબ્ધ છે, તેવી જ રીતે આગામી સમયમાં અનેક ગુણધર્મો ધરાવતા બકરીના દૂધ માટે પણ અમૂલનું ઉત્તમ સહકારી માળખું કાર્યરત કરી શકાય તેમ છે. ભારત સરકારની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૩ના ગેઝેટમાં બકરીના દૂધના સુધારેલ માનક પ્રસિદ્ધ કરાયા છે, જે સપ્ટેમ્બર-૨૦૨૩થી અમલીકૃત થયા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન-આણંદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાથે મળીને આ બાબતે વિગતવાર અભ્યાસ કરી બકરીના દૂધના ભાવ, પેકેજીંગ, માર્કેટિંગ સહિતની બાબતોને આવરી લઇ પ્રોજેક્ટ પ્રપોઝલ તૈયાર કરી તેને વિગતવાર રજૂ કરવા માટે મંત્રી શ્રી પટેલે સૂચના આપી હતી. ભવિષ્યમાં દૂધ સંજીવની પ્રોજેક્ટ હેઠળ પણ બકરીનુ દૂધ આપી શકાય કે કેમ તે અંગેના પણ વિવિધ પાસાઓનો અભ્યાસ કરવા પશુપાલન મંત્રીશ્રીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.