ગુજરાત પોલીસે ડ્રોનનો ઉપયોગ કરી શરૂ કર્યો ખાસ પ્રોજેક્ટ ‘GP – DRASTI’

AI Image
રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસનો ‘GP – DRASTI’ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે: શ્રી વિકાસ સહાય
ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે, પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે
Ø ડ્રોન PCR વાનની તુલનાએ ૫૦ ટકાથી પણ ઓછા સમયમાં, કેટલીકવાર માત્ર બે થી અઢી મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે
Ø ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રીઅલ-ટાઇમમાં દેખાશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે
Ø ગુજરાત પોલીસ અકાદમી, કરાઈ ખાતે છ દિવસીય તાલીમનું આયોજન કરાયું
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ “GP – DRASTI” (ગુજરાત પોલીસ – ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટીકલ ઇન્ટરવેન્શન્સ) શરૂ કરવા જઈ રહી છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગુજરાત રાજ્યમાં કોઈપણ ઘટના બનતાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સને વધુ અસરકારક બનાવવાનો છે.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આ પ્રોજેક્ટ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતમાં કોઈપણ સ્થળે ઘટના બને ત્યારે પોલીસનો રિસ્પોન્સ ટાઈમ અને તે રિસ્પોન્સની ગુણવત્તા ખૂબ મહત્વની છે. આ માટે હાલ પીસીઆર વાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. પરંતુ તેને ઘટના સ્થળે પહોંચવામાં સમય લાગે છે. આ સમય ઘટાડવા અને ત્વરિત કાર્યવાહી માટે ગુજરાત પોલીસે ડ્રોનનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે.
આ પ્રોજેક્ટ હેઠળ, પોલીસ કંટ્રોલ નંબર ૧૦૦ ઉપર ઘટનાની જાણ થતાં પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા પીસીઆર વાનની સાથે ડ્રોન બેઝ સ્ટેશનને પણ સૂચના આપવામાં આવશે. પરિણામે, પીસીઆર વાનની સાથે ડ્રોન પણ ઘટના સ્થળે તાત્કાલિક રવાના થશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે સુરત અને અમદાવાદ શહેરમાં ૧૦ દિવસના પ્રયોગમાં જાણવા મળ્યું કે, ડ્રોન પીસીઆર વાનની તુલનાએ ૫૦ ટકાથી પણ ઓછા સમયમાં, કેટલીકવાર માત્ર બે થી અઢી મિનિટમાં ઘટના સ્થળે પહોંચી જાય છે.
ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રીઅલ-ટાઇમમાં દેખાશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે. આ પ્રોજેક્ટથી પરિસ્થિતિનું ત્વરિત મૂલ્યાંકન અને અસરકારક કામગીરી શક્ય બનશે.
પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ ડ્રોનની ખરીદી શરૂ કરાઈ છે. હાલ ૮ ડ્રોન પ્રાપ્ત થઇ ચુક્યા છે, જ્યારે ૧૮થી વધુ ડ્રોન ટૂંક સમયમાં મળી જશે. પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોના ૩૩ પોલીસ સ્ટેશનો, જ્યાં ગુનાખોરીનું પ્રમાણ થોડુ વધુ છે, ત્યાં આ વ્યવસ્થા ગોઠવાશે.
આ પ્રોજેક્ટના અમલીકરણ માટે કરાઈ ખાતે છ દિવસીય તાલીમનું આયોજન કરાયું છે. તાલીમ પૂર્ણ થયા બાદ પ્રથમ તબક્કે અમદાવાદના ૮ પોલીસ સ્ટેશનમાં આ પ્રોજેક્ટ શરૂ થશે, ત્યારબાદ અન્ય ડ્રોન ઉપલબ્ધ થતા જ વડોદરા, રાજકોટ અને સુરતમાં કાર્યરત કરી દેવાશે.
આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાત પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.