“GPBS બિઝનેસ એક્સ્પો 2025” 9 થી 12 જાન્યુઆરી સુધી ગાંધીનગર ખાતે યોજાશે
- પ્રી- લોન્ચિંગ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી
- GPBS 2025 બિઝનેસ એક્સ્પો : ગુજરાતભરના વેપાર- ઉદ્યોગને વેગ મળશે
અમદાવાદ : સરદારધામના નેજા હેઠળ ઓનિક્સ દ્વારા આયોજિત “જીપીબીએસ 2025” દેશ કા એક્સ્પોનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી, 2025 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહીત સમગ્ર ગુજરાતના વેપાર- ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
1,00,000 + સ્કવેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસનાં મહાકુંભ સમાન એક્સ્પોમાં 1600થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે. દેશ- વિદેશના મળીને 10,00,000થી પણ વધુ લોકો આ એક્સ્પોની મુલાકાત લેશે. ક્રાંતિકારી સંસ્થા સરદારધામના નેજા હેઠળ આયોજિત “જીપીબીએસ બિઝનેસ એક્સ્પો 2025″ના પ્રી- લોન્ચિંગ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને તેમણે દર વર્ષે ગુજરાતમાં આયોજિત થતા આ એક્સ્પોની સરાહના કરી હતી.
કાર્યક્રમના મુખ્ય ઉદ્ઘાટક તરીકે શ્રી મનસુખભાઇ માંડવિયા (કેબિનેટ મંત્રીશ્રી- ભારત સરકાર) ઉપસ્થિત રહ્યાં હતા. આ સમારોહમાં મુખ્ય ઉદ્ઘાટક શ્રી બિપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન લિમિટેડ, રાજકોટ & સ્થાપક ટ્રસ્ટી), શ્રી રવજીભાઈ વસાણી (આર.પી. વસાણી ગ્રુપ અમદાવાદ & ભવનદાતા શ્રી) તથા શ્રી જીવણભાઈ ગોવાણી (માર્સ ફોર્જ પ્રા. લિ., મુંબઈ & સ્થાપક ટ્રસ્ટી) એ હાજરી આપી હતી.
“જીપીબીએસ 2025 – દેશ કા એક્સ્પો”માં ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને વેગ મળશે. એક્સ્પોની આ પાંચમી એડિશન છે, જેના પ્રી- લોન્ચિંગ કાર્યક્રમ સમયે સરદારધામ સંસ્થાના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરીયા, બિઝનેસ એક્સ્પોના પ્રેસિડેન્ટ શ્રી ગોવિંદભાઇ વરમોરા (સનહાર્ટ સીરામીક), વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિલેશ જેતપરિયા (મોરબી) તથા અન્ય વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જશવંતભાઈ પટેલ (ગાંધીનગર)
તથા એક્સ્પોના કન્વીનર શ્રી સુભાષભાઈ ડોબરિયાએ ઉપસ્થિત રહીને સંસ્થાની કામગીરીને બિરદાવી હતી. આ મહાનુભાવોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ધ્યેય સાથે આ બિઝનેસ એક્સ્પો આયોજિત કરવાની ભાવના વ્યક્ત કરી હતી.
“જીપીબીએસ 2025 – દેશ કા એક્સ્પો”ના પ્રેસિડેન્ટ શ્રી ગોવિંદભાઇ વરમોરાએ જણાવ્યું હતું કે, “આ બિઝનેસ એક્સ્પોમાં દેશ જ નહીં વિદેશના સર્વે સમાજનાં ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદાર ધામ દ્વારા 2018 થી જીપીબીએસ એક્સ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સર્વ સમાજના ઉદ્યોગપતિ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન થકી મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવાના ભાગરૂપે જીપીબીએસ દેશ કા એક્સ્પો આયોજિત કરાય છે. આ એક્સ્પોમાં એફએમસીજી, સોલાર, એન્જીનીયરીંગ, બેન્કિંગ, એજ્યુકેશન એમ દરેક સેક્ટરના ઉદ્યોગપતિઓ ભાગ લઇ રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ એક્સ્પો થકી ઘણાં ઉદ્યોગોને વેગ મળશે તેની અમને સંપૂર્ણ આશા છે.આ બિઝનેસ ઍસ્કપો થકી દેશની જીડીપીમાં પણ વધારો થશે.”
ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં જીપીબીએસના બિઝનેસ એક્સ્પોની શરૂઆત મહાત્મા મંદિર ખાતેથી થઇ હતી, ત્યારબાદ 2020 હેલિપેડ ગ્રાઉન્ડ- ગાંધીનગર ખાતે, 2022માં સરસાણા એક્ઝિબિશન સેન્ટર- સુરત ખાતે અને 2024માં નવા રિંગરોડ- રાજકોટ ખાતે પણ આ બિઝનેસ સમિટ યોજાઈ હતી. એક્સ્પોમાં દેશના ટોચના બિઝનેસ સ્પીકર અને મોટીવેશનલ સ્પીકર્સ પણ નવા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
દેશ કા એક્સ્પોમાં વિવિધ દેશોના જુદા-જુદા ધંધાઓ સાથે સંકળાયેલા અનેક લોકો આ એક્સ્પોની મુલાકાત લેશે. જેને લઈને સમગ્ર ગુજરાતના ઉદ્યોગોને વૈશ્વિક ફલક પર સ્થાન મળશે. આમ આ એક મલ્ટી કેટેગરી એક્સ્પો કહી શકાય.
દેશ કા એક્સ્પોનું મુખ્ય લક્ષ્ય દેશના ઉદ્યોગો અને બ્રાન્ડ્સને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોચાડવાનું છે. જેનાથી ઉદ્યોગોમાં હરણફાળ ક્રાંતિ આવશે અને સર્વાંગી વિકાસ પણ થશે. દેશ- વિદેશના ઉદ્યોગપતિઓ, એક્ઝિબિટર્સ, ઇન્ટરનેશનલ એક્ચ્યુઅલ બાયર્સ અને મોટી સંખ્યામાં વિઝિટર્સને એકસાથે એક મંચ પર લાવી દરેક ભારતીય ગર્વ લઇ શકે તે પ્રકારનો આ એક્સ્પો છે.
દેશના યુવાધન અને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગકારોને આ બિઝનેસ એક્સ્પો થકી સંપૂર્ણ માર્ગદર્શન મળી રહેશે. ખાસ કરીને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહિલાઓને પણ અહીં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. આમ, જીપીબીએસ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક માટે એક ઉત્તમ તક રહેલી છે.