GPSC ક્લાસ ૧-૨ પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર થયું
અમદાવાદ, આજે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૬/૨૦૨૦-૨૧ માટેની પરીક્ષાનું અંતિમ પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ ૨૨૪ ઉમેદવારો પાસ થયા છે. અને આ તમામ ઉમેદવારોને નિમણૂંક આપવા માટે જીપીએસસીએ સરકારને ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા માટે કુલ ૯૬૬ ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું, જેમાંથી ૨૨૪ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક ૨૬/૨૦૨૦-૨૧માં ક્લાસ ૧ અને ૨ના પરિણામમાં જે ૨૨૪ ઉમેદવારો પાસ થયા છે તેમાંથી ક્લાસ ૧ માટે કુલ ૮૧ જગ્યાઓ હતી. જેમાંથી નાયબ કલેક્ટરની ૧૫ જગ્યા, ડીવાયએસપીની ૨૦ જગ્યા, જિલ્લા રજિસ્ટ્રારની ૩ જગ્યા, સહાયક રાજ્ય વેરા કમિશ્નનરની કુલ ૪૨ જગ્યા, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ)ની ૧ જગ્યા પર ઉમેદવારોની નિમણૂંક કરવામાં આવશે.
ક્લાસ-૨ની જગ્યાઓ પર નજર કરવામાં આવે તો, ક્લાસ ૨માં કુલ ૧૪૩ જગ્યાઓ પર ઉમેદવારોને નિમણૂંક આપવામાં આવશે. જેમાંથી સેક્શન અધિકારી (સચિવાલય)ની કુલ ૯ જગ્યા, સેક્શન અધિકારી (વિધાનસભા)ની કુલ ૧, મદદનીશ જિલ્લા રજિસ્ટ્રારની કુલ ૭, રાજ્ય વેરા અધિકારીની કુલ ૭૪, સરકારી શ્રમ અધિકારીની કુલ ૨૫, જિલ્લા નિરીક્ષક દફ્તરની કુલ ૨૫, સમાજ કલ્યાણ અધિકારી (વિકસતિ જાતિ)ની કુલ ૨ જગ્યાઓ માટે જીપીએસસી દ્વારા ભરતી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, GPSC દ્રારા છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત વહીવટી અને સનદી સેવા, ક્લાસ ૧ અને ૨ની પાંચ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. આજે જાહેર કરેલ પરિણામની જાહેરાત ૧૦ નવેમ્બર ૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવી હતી. અને આ ૨૨૪ જગ્યાઓ માટે કુલ ૨,૧૫,૭૩૫ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ૩૨ જિલ્લામાં યોજવામાં આવેલ પ્રીલિમ પરીક્ષામાં કુલ ૬૬૮૦ ઉમેદવારોને મુખ્ય લેખિત પરીક્ષામાં પાસ કરવામાં આવ્યા હતા.
૬૬૮૦ ઉમેદવારોની મુખ્ય લેખિત પરીક્ષા આ વર્ષે જુલાઈ મહિનામાં ૨૦, ૨૨ અને ૨૪ તારીખે ગાંધીનગર ખાતે લેવામાં આવી હતી. અને ગત ૧૮ નવેમ્બરના રોજ મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અને મુખ્ય લેખિત પરીક્ષામાં કુલ ૯૬૬ ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે પાસ કરવામાં આવ્યા હતા. ૨૫ નવેમ્બરથી ૧૬ ડિસેમ્બર દરમિયાન આ ઉમેદવારોના ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૨૨૪ ઉમેદવારોએ સફળતા પ્રાપ્ત કરી છે.HS