અમિતાભથી ઘણીવાર નારાજ થઈ જાય છે પૌત્રી
મુંબઈ, અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવતો ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ ૧૪ દર્શકોની વચ્ચે ખાસ્સો પોપ્યુલર બન્યો છે. લેટેસ્ટ એપિસોડની શરૂઆત આ સીઝનની સૌથી યુવાન વયની કન્ટેસ્ટન્ટ વૈષ્ણવી કુમારીથી થઈ હતી. તે કન્ટેન્ટ રાઈટર છે અને છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીમાં કામ કરી રહી છે. તે દેહરાદુનની છે અને કોરિયન ડ્રામા તેમજ જાપાનીઝ માંગા વિશે લખે છે.
તે અલગ-અલગ ભાષામાં લખી રહી હોવાથી તે શું કહેવા માગે છે તે બિગ બી સમજી શક્યા નહોતા. ત્યારબાદ તેણે ઉદાહરણ આપ્યું હતું કે, તે ફિલ્મનું પ્રમોશન કરવા જેવું છે. તેના પર હોસ્ટે કહ્યું હતું ‘મારી આગામી ફિલ્મનું પ્રમોશન તમે જ કરજાે. અમારા સમયમાં ફિલ્મ પ્રમોશન જેવું કંઈ નહોતું.
હવે, લોકો અમારી પાસે ઘણું કરાવે છે’. તો વૈષ્ણવીએ કહ્યું હતું કે, તેમને ફિલ્મનું પ્રમોશન કરવાની જરૂર નથી કારણ કે તેમનું નામ જ પૂરતું છે. થોડા સવાલના જવાબ આપ્યા બાદ વૈષ્ણવીએ તે પોતે રિપોર્ટર હોવાનું પણ જણાવ્યું હતું અને સાથે જ કહ્યું હતું કે તેણે અત્યારસુધી એક પણ સેલિબ્રિટીનો ઈન્ટરવ્યૂ લીધો નથી.
તેણે અમિતાભ બચ્ચનનું ઈન્ટરવ્યૂ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે તેમને સૌથી વિચિત્ર ફેન મોમેન્ટ વિશે પૂછ્યું હતું. જેના પર બિગ બીએ કહ્યું હતું કે, એકવાર તેઓ કોલકાતાના બોટનિકલ ગાર્ડનમાં શૂટિંગ કરી રહ્યા હતા અને તે દિવસોમાં શૂટિંગ શાંતિથી ચાલતું હતું.
તેમણે કહ્યું હતું કે, ‘અમારે તળાવમાંથી પસાર થવાનું હતું અને બીજી તરફ ૨૦-૩૦ લોકો ઉભા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અમે બોટમાં હતા. મેં એક વ્યક્તિને પેપરને હલાવતો જાેયો હતો અને તેને ઓટોગ્રાફ જાેઈતો હોવાથી બૂમ પાડી હતી. મેં તેને બોલાવ્યો હતો. તે તરીને આવ્યો હતો અને મને ભેટી પડ્યો હતો. હું પણ પલળી ગયો હતો. તરતી વખતે તેણે પોતાના મોંમા પેન અને પેપર રાખ્યું હતું.
જ્યારે મેં તેને ઓટોગ્રાફ આપ્યો ત્યારે તે અત્યંત ખુશ થઈ ગયો હતો. પરંતુ તરીને પરત જવા માટે તેણે ફરીથી કૂદકો માર્યો હતો અને ઓટોગ્રાફવાળું પેપર ધોવાઈ ગયું હતું. પૌત્રી આરાધ્યા સાથે તેઓ કેવી રીતે સમય પસાર કરે છે તે અંગે પણ વૈષ્ણવીએ અમિતાભ બચ્ચનને પૂછ્યું હતું. તેમને વધારે સમય ન મળતો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે ‘સવારમાં તે સ્કૂલે જતી રહે છે અને હું મારા શૂટ પર જાઉ છું.
જ્યારે બપોરે તે ઘરે આવે ત્યારે તેની મમ્મી તેને ટાસ્ક આપે છે. હું ઘરે મોડો જાઉ છું. પરંતુ ટેકનોલોજીનો આભાર કે અમે ફેસટાઈમથી કનેક્ટેડ રહીએ છીએ. ઘણીવાર તે મારા પર ગુસ્સે અને નારાજ થઈ જાય છે. તેનો ફેવરિટ કલર પિંક છે અને તેને હેર બેન્ડ તેમજ ક્લિપ ખૂબ ગમે છે. જ્યારે તે મારાથી નારાજ થાય ત્યારે હું તેને ગિફ્ટમાં પિંક હેર બેન્ડ આપું છું અને તે ખુશ થઈ જાય છે’.SS1MS