પાલીતાણામાં ઘાસની લારીવાળાઓ રસ્તા પર કરી રહ્યા છે ગંદકીઃ લોકો પરેશાન
પાલીતાણાના જાહેર માર્ગો પર ઘાસચારાના કારણે અનેક સમસ્યા-સંસ્કૃતિ પ્રમાણે પશુઓને ઘાસચારો ખવડાવો જોઈએ પરંતુ જે રોડ પર ઘાસચારો નાખવામાં આવે છે. તેનાથી લોકોને હેરાનગતિ ભોગવી પડે છે.
પાલીતાણા, પવીત્ર યાત્રાધામ જૈન તીર્થ નગરી પાલીતાણાને સ્વચ્છ અને સુંદર રાખવું એ તંત્રની નૈતિક ફરજ છે. પરંતુ પાલીતાણામાં તળેટી રોડ પર ઠેરઠેર ઘાસચારાની લારીઓવાળા ઉભા રહે છે. તેના કારણે લોકોને ખુબ જ ત્રાસ થાય છે. ત્યાં ગંદકી તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધુ થાય છે.
શહેરમાં ભૈરવનાથ ચોક, લાલદાસજી મંદીર પાસે તેમજ ગુજરાતી, નિશાળ પાસે તેમજ તળેટી રોડ પર સાદડી ભુવન પાસે, ચ.મો. વિધાલય પાસે, પન્ના રૂપા ધર્મશાળા પાસે ઓશવાળ ધર્મશાળાના ખાંચામાં જંબુદ્ધીપ તરફ જવાના રસ્તે ભુરીબા, ધર્મશાળા પાસે ઘાસચરાની લારીઓવાળા ઉભા રહે છે.
લોકો તેની પાસેથી ઘાસ લઈને ત્યાંને ત્યાં જ પશુઓને નાખે છે. તેનાથી ત્યાં ગંદકી તેમજ મચ્છરોના ઉપદ્રવ થાય છે. ત્યાં જ પશુઓ રોડ પર ભેગા થઈને ઝઘડે તો યાત્રીકોને તેમજ શહેરીજનોને પશુઓથી ઈજા થવાના બનાવો પણ બને છે.
સંસ્કૃતિ પ્રમાણે પશુઓને ઘાસચારો ખવડાવો જોઈએ પરંતુ જે રોડ પર ઘાસચારો નાખવામાં આવે છે. તેનાથી લોકોને હેરાનગતિ ભોગવી પડે છે. ગાયોના ઘાસચારાના દાનની રકમ ગૌશાળા કે જીવદયાનું કામ કરતી સંસ્થાઓને કે પછી સામાજીક સંસ્થાઓને આપવી જોઈએ. પાલીતાણા ધર્મશાળા એસો.ના પ્રમુખ રાહુલભાઈ ગઢવીએ આઅ જણાવ્યું કે તળેટી રોડ વિસ્તારમાં ઘાસચારાની લારીઓના કારણે ખુબ જ ત્રાસ થાય છે.
આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા નગરપાલિકા પોલીસતંત્ર અને કલેકટરને લેખીત રજુઆત પણ કરાઈ છે. પરંતુ આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. ચીફ ઓફીસરે ડો.વિજયભાઈ પંડીતે જણાવયું હતું કે પાલીતાણામાં ઘાસચારો રસ્તા વચ્ચે વેચનારાઓ સામે કાર્યાવહી શરૂ છે.
ઘાસચારો પકડી પાડીએ છીએ. ઘાસચારો વેચવાવાળા નગરપાલિકાની ટીમ સાથે તકરાર પણ કરે છે.આથી અમે પોલીસ પ્રોટેકશનની માંગણી કરી હતી. પરંતુ પોલીસતંત્ર દ્વારા કહેવામાં આવેલ છે. પૈસા ભરો પછી પોલીસ પ્રોટેકશન આપવામાં આવશે. ડેપ્યુટી કલેકટર દ્વારા હુકમ કરાયો હોવા છતાં પોલીસતંત્ર મદદ કરતું નથી.