ગ્રીન કાર્ડના નામે છેતરપિંડી આચરનાર દંપતી ઝડપાયું
(એજન્સી) બારડોલી, ડોલરીયા દેશ અમેરિકા પ્રત્યે લોકોનો મોહ ઓછો નથી થયો. લોકો ગમે તેમ કરીને અમેરિકા જવા માંગે છે. આ માટે અનેક વખત લોકો શોર્ટ કટ પણ લેતા હોય છે. ત્યારે ગ્રીન કાર્ડ અપાવવાના બહાને કામરેજના માતા-પુત્ર સાથે છેતરપિંડી કરનાર એક દંપતી ઝડપાયું છે.
પોલીસે દંપતી પાસેથી પાંચ લાખ રૂપિયાની રોકડ જપ્ત કરી છે. આ કેસમાં મુખ્ય મહિલા આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે. સુરતના કામરેજના નીલકંઠ રેસીડેન્સી ખાતે રેહતા ગીતાબેન રાશમીયાએ પોતાની પુત્રી અને પુત્ર મયંક માટે અમેરિકાના ગ્રીન કાર્ડ બનાવવામાં માટે પોતાના મિત્ર એવા પારુલ રાઠોડ અને તેના પતિ દીપક શાહને ૫૫ લાખ રૂપિયામાં કામ આપ્યું હતું.
જે પૈકીના ૨૦ લાખ રૂપિયા રોકડ અને બેંક ટ્રાન્સફરથી ચૂકવ્યા હતા. જાેકે, કામ તો થયું ન હતું પરંતુ આરોપીઓએ ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આથી ગીતાબેનને છેતરપિંડી થયાનો અહેસાસ થતા કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ફરિયાદ બાદ કામરેજ પોલીસે આરોપી દીપક શાહની ધરપકડ કરી પૂછપરછ કરતા ૨૦ લાખ રૂપિયા પૈકીના ૧૫ લાખ રૂપિયા અમદાવાદના પોતાના મિત્ર મોહિત ચૌહાણ તેમજ મિત્રની પત્ની દીપિકા ચૌહાણના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાનું જણાવ્યું હતું.
જે બાદમાં કામરેજ પોલીસે અમદાવાદથી દંપતીને તપાસ માટે બોલાવતા આરોપી મોહિત ચૌહાણે પોતે સરકારી ઓફિસર હોવાનું તેમજ પત્ની દીપિકા ચૌહાણ ઇન્કમ ટેક્સ ઓફિસર હોવાનું જણાવી પોલીસ સામે રૌફ બતાવ્યો હતો. જાેકે, પોલીસે તરફથી આ મામલે તપાસ કરવામાં આવતા બંને પતિ-પત્ની પોલીસને ગેરમાર્ગે દોરવા માટે પોતે સરકારી અધિકારી હોવાનું કહી રહ્યાનો ખુલાસો થયો હતો.
આ મામલે આખરે ભાંડો ફૂટી ગયો હતો અને પોલીસે બંનેની ધરપકડ કરી હતો. પોલીસે આરોપી દંપતી પાસેથી પાંચ લાખ રૂપિયા રોકડા કબજે કર્યાં હતા. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, તારીખ ૧૧-૧૦-૨૦૨૧ના રોજ છેતરપિંડીનો એક બનાવ બન્યો હતો.
જેમાં ફરિયાદી ગીતાબેને તેમની છોકરી અને પુત્ર મયંક માટે ગ્રીન કાર્ડ કઢાવવા માટે તેમના પરિચિત પારુલબેન અને દીપકભાઈ સાથે વિઝા કાઢાવી આપવા માટે ૫૫ લાખની ડીલ કરી હતી. જૈ પૈકી ૨૦ લાખ રૂપિયા આપી દીધા હતા. જેમની ગેરંટી પેટે આરોપી દંપતીએ ચેક આપ્યો હતો. આરોપીએ કામ ન કરતા ફરિયાદીએ ચેક બેંકમાં ભર્યો હતો.
આ ચેક રિટર્ન થયો હતો. જે મામલે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસમાં પોલીસે દીપક શાહની ધરપકડ કરી હતી. તેમણે અન્ય રકમ ચેકથી અન્ય આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ બંને આરોપીની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે તેમની પાસેથે પાંચ લાખ રૂપિયા રિકવર કર્યાં છે.