૪૦ હજાર કરોડના રોકાણ સાથે ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા ઉત્પાદન થશે
ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ઊદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર સાથે MoU કર્યા
૧ મિલિયન ટન પ્રતિ વર્ષ ક્ષમતાના ગ્રીન એમોનિયા પ્રોજેક્ટની ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થાપના કરાશે
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથની નેમ સાથે નેટ ઝીરો કાર્બન ઈમિશન અને ગ્રીન ક્લીન એનર્જી માટે કરેલા આહવાનને ગુજરાત ઝીલી લેવા સજ્જ બન્યું છે. Green hydrogen-green ammonia will be produced in Gujarat with an investment of 40 thousand crores
આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભરતાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ અને ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા.
આ MoU કચ્છ જિલ્લામાં ૧ મિલિયન ટન પ્રતિવર્ષની ઉત્પાદન ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા પ્રોજેક્ટના વિકાસ માટે કરવામાં આવ્યા છે.
રૂપિયા ૪૦ હજાર કરોડના કુલ રોકાણ સાથે આ સૂચિત પ્રોજેક્ટ બે તબક્કામાં ૨૦૩૦ સુધીમાં પૂર્ણ કરવાનું અને તેના દ્વારા અંદાજે ૧૦,૪૦૦ જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીના સર્જનનું લક્ષ્ય છે.
ઊદ્યોગમંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આ MoU કરતાં વિકાસકાર ઊદ્યોગજૂથ ઓકિઓર એનર્જીના સી.ઈ.ઓ. શ્રી રણજિત ગુપ્તાએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી વડાપ્રધાનશ્રીની મેઈક ઈન ઈન્ડિયા-મેઈક ફોર ધ વર્લ્ડની સંકલ્પના સાકાર કરીને પ્લાન્ટમાં ઉત્પાદિત થનાર એમોનિયાને ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ મોકલી શકાશે.
ગુજરાત સરકાર તથા ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રા. લિ. વચ્ચે રૂ. ૪૦,૦૦૦ કરોડના રોકાણથી કચ્છમાં ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા પ્રોજેકટની સ્થાપના માટે MoU કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ થકી વિપુલ રોજગારી ઉપરાંત વડાપ્રધાનશ્રીના 'નેટ ઝીરો એમિશન'ના લક્ષ્યની દિશામાં ગુજરાત આગેકદમ ભરશે. pic.twitter.com/kKwp0pLVIn
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 27, 2023
ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી કમલ દયાનીએ તથા ઓકિઓર એનર્જીના સી.ઈ.ઓ. શ્રી રણજિત ગુપ્તા MoU પર હસ્તાક્ષર કરીને આપ-લે કરી હતી.
અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ઓકિઓર એ ADGM, અબુધાબીમાં શરૂ થયેલી ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ક્ષેત્રની અગ્રણી કંપની છે. સમગ્ર ભારત, મધ્ય પૂર્વ તથા ઉત્તરી આફ્રિકા(MENA) પ્રદેશમાં ૪ GW ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સ વિકસાવવા અને બનાવવાનું લક્ષ્ય આ કંપની ધરાવે છે.
પોતાનો આવો જ વધુ એક પ્રોજેક્ટ શરૂ કરવા તેમણે ગુજરાતની પસંદગી કરી છે.
આ MoU અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન, ઊદ્યોગ કમિશ્નરશ્રી રાહુલ ગુપ્તા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.