ડુપ્લિકેટ વરિયાળી પર લીલા રંગનો પાઉડર: જપ્ત કરેલી 74 લાખની વરિયાળી ગોડાઉન માલિકે જ ચોરી લીધી

File Photo
૬ મહિના પછી અચાનક ગોડાઉનની મુલાકાત લીધી ત્યારે સીલ કરેલો જથ્થો ગાયબ થયાની જાણ થઈઃ ડુપ્લિકેટ વરિયાળી પર લીલા રંગનો પાઉડર ચઢાવવામાં આવતા અનસેફ પુરવાર થઈ હતી
મહેસાણા, ઓકટોબર ર૦ર૪માં ઉંઝાના ઉમા એસ્ટેટ ગોડાઉનમાંથી મળેલ વરિયાળી અને લીલા કોરનો પાવડર સહિત ૭૪ લાખનો શંકાસ્પદ સીઝ કરેલો જથ્થો જે ગોડાઉનમાં એલસીબીએ સીલ કરીને મૂકયો હતો. તે સીલ તોડી લાખોનો જથ્થો ગોડાઉન માલિક ચોરી કરી ગયાની ફરિયાદ એલસીબીએ ઉંઝા પોલીસ મથકે નોંધાવી હતી. Green powder on duplicate fennel:
લાખો રૂપિયાનો શંકાસ્પદ વરિયાળીનો જથ્થો પકડીને સીઝ કરનાર એલસીબીના પીએસઆઈ કે ટીમ છ મહિના સુધી જોવા માટે ગઈ ન હતી અને અચાનક ૬ એપ્રિલે સ્થળ વિઝિટ કરતા પોતે સીઝ કરેલો જથ્થો ચોરી થઈ ગયો હોવાની એલસીબીને ખબર પડી હતી.
ઉંઝા ખાતે ઉમા એસ્ટેટમાં આવેલ મહેશ પટેલના અલગ અલગ ગોડાઉનમાં મહેસાણા એલસીબીની ટીમે ૧પ ઓકટોબર ર૦ર૪ના રોજ રેડ કરીને ચોખ્ખી વરિયાળી ભરેલ બેગ, વેસ્ટ વરિયાળી, લીલા કલરનો પાવડર ચઢાવેલ વરિયાળી, લીલા કોરનો કંતાનના ખાલી કોથળા મળી વરિયાળીનો રૂ.૮૧ લાખની કિંમતનો શંકાસ્પદ જથ્થો સીઝ કરીને તે ગોડાઉનને સીલ મારી દીધું હતું. શંકાસ્પદ વરિયાળીના જથ્થાના ફૂડ વિભાગની ટીમે સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે મોકલતા ચોખ્ખી અને વેસ્ટ વરિયાળીનો જથ્થો મિસ બ્રાન્ડ અને અનસેફ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. માલિક સામે કોર્ટમાં કાર્યવાહી કરવાની પ્રોસેસ ચાલુ છે.
મહેશ પટેલ દ્વારા એલસીબીની ટીમે કરેલ ચારેય ગોડાઉનનું સીલ તોડી સીઝ કરેલ ૭૪.૩ર લાખનો શંકાસ્પદ જથ્થો બારોબાર વગે કરીને પોતાના ગોડાઉન ખાલી કરી દીધા હતા સાથે ૩,૪ અને પ નંબરના ગોડાઉનને માસીક પ૧ લાખ રૂપિયાના ભાડે પટેલ રમણભાઈ મગનભાઈને આપી દીધા હોવાનું પણ એલસીબીની તપાસમાં બહાર આવ્યું છે.
એલસીબીની ટીમે સીલ કરેલ ૬૩.૪૮ લાખની ચોખ્ખી વરિયાળીની ૧૯૧૪ બેગ, પ.૯૧ લાખની ૧૧૧ર વેસ્ટ વરિયાળીની બેગ, એક કિલોના પેકિંગ વાળી ૪.પ૯ લાખની બેગ, લીલા કલરનો પાવડર ચઢાવેલ વરિયાળીની ર૪૦૦૦ની ૧ર બેગ, લીલા કલરનો પાવડર, ખાલી કોથળા મળી ૭૪.૩ર લાખનો મુદ્દામાલ બે ત્રણ ચાર અને પાંચ નંબરના ગોડાઉનમાંથી ચોરી કરાયો છે.