ગ્રીન વેસ્ટ માટે ક્રશર મશીન લેવામાં આવશે
(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં જાહેર માર્ગ, બાગ-બગીચા, તથા સોસાયટીઓમાં વૃક્ષોના ટ્રીમિંગ તથા ગાર્ડન વેસ્ટને દુર કરવા માટે મ્યુનિ. દ્વારા હવે મોટા વાહનમાં વધારે ગ્રીન વેસ્ટ લઇ જઇ શકાય, તથા વાહનના ફેરા બચાવી શકાય તે માટે મીની ક્રસર મશીન વસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગ્રીન વેસ્ટ ક્રશ થઇ જવાને કારણે તેનું પરીવહન વધુ સરળ બને તેવી વ્યવસ્થા થશે. આ માટે મ્યુનિ. દ્વારા ૩.૮૯ કરોડનો ખર્ચ થશે.
મ્યુનિ. હેલ્થ કમિટી ચેરમેન જશુભાઈ ઠાકોરના જણાવ્યા મુજબ શહેરમાં ખાસ કરીને ચોમાસા દરમ્યાન કે વાવાઝોડા જેવી સ્થિતિમાં મોટા વૃક્ષો ધરાશાયી થઇ જાય છે, આ વૃક્ષોની ડાળીઓને દુર કરવા તથા તેને અન્ય સ્થળે લઇ જવા માટે મ્યુનિ.ને ટ્રેક્ટર અને ટ્રકના વધારે ફેરા કરવા પડતાં હોય છે.
આ સ્થિતિમાં જો ક્રશર મશીનનો ઉપયોગ કરવામાં આવે તો આ ઝાડ અને ડાળીઓ નાના ટુકડા કરી દેવામાં આવતાં એક જ ટ્રક કે ટ્રેક્ટરમાં વધારે ગ્રીન વેસ્ટ ભરીને પરિવહન કરી શકાય છે.
આ સ્થિતિ માટે મ્યુનિ. દ્વારા શહેરમાં આવા ૧૦ જેટલા ક્રશર મશીનની ખરીદી માટે મ્યુનિ. હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામાં આવી હતી.
સામાન્ય રીતે ગાર્ડન વેસ્ટ અને ટ્રી વેસ્ટનું વજન ઓછુ હોય છે જોકે તેનું વોલ્યુમ વધારે હોવાને કારણે તેના નિકાલ માટે વધારે પ્રમાણમાં ફેરા કરવા પડે છે.જો ટ્રી વેસ્ટ કે ગાર્ડન વેસ્ટને સ્થળ પર જ ક્રશ કરીને તેને ટ્રકમાં ભરવામાં આ?વે તો ટ્રકના ફેરા બચી શકે છે. જે માટે આવા ૧૦ જેટલા ક્રશર મશીનની ખરીદી કરવા તંત્ર દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા.
જેમાં હાઇડ્રોલીક ટીપર ટ્રક વાહન ૧૦ તથા ટ્રેક્ટર વીથ ગાર્ડન વેસ્ટ ક્રશીંગ થ્રેડીંગ ૧૦ને રૂ. ૩.૮૯ કરોડમાં ખરીદવાની જોગવાઇ કરવામાં આવી હતી. જ્યારે આ મશીનો તથા ટ્રક- ટ્રેક્ટર ની ઓપરેશન અને મેઇન્ટેનન્સની કામગીરી માટે પણ રૂ. ૨.૧૩ કરોડનો વાર્ષીક ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. ત્યારે આજે મળેલી હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટિ દ્વારા આ દરખાસ્તને મંજુરીની મહોર લગાવી છે.