SSC Result: સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા અને સૌથી ઓછું દાહોદનું 40.75 ટકા
ધો.10નું 64.62% પરિણામઃ અંગ્રેજી માધ્યમ અને વિદ્યાર્થીનીઓ આ વર્ષે પણ આગળ : રાજયમાં મોરબી બીજા અને રાજકોટ ત્રીજા ક્રમે : એ-2 ગ્રેડમાં 44480 વિદ્યાર્થી
SSC RESULT2023: આ વર્ષે 958 કેન્દ્ર પરથી 734898 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 474893 વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે.
અમદાવાદ, શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલી ધો.10 (એસ.એસ.સી.) પરીક્ષાનું તા. 25-05-2023ને ગુરૂવારના રોજ 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગત 2022માં આવેલા 65.18 ટકા કરતા આ વર્ષના પરિણામમાં સામાન્ય ઘટાડો થયો છે. GSEB declared 10th SSC board exam results 64.62 percent
એ-1 ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ફરી 50 ટકાથી વધુ કડાકો બોલતા અગાઉના વર્ષની સરખામણીએ 6111 છાત્રો એ-1 ગ્રેડમાં સ્થાન પામ્યા છે. આ જ રીતે એ-2 ગ્રેડના છાત્રો પણ ઘટયા છે.
રાજયમાં સુરત જિલ્લાનું સૌથી ઉંચુ 76.45 ટકા પરિણામ આવ્યું છે અને સૌથી વધુ એ-1 છાત્રો પણ સુરત જિલ્લાના 1279 છે. આ બાદ બીજા ક્રમે મોરબી જિલ્લો 75.43 ટકા સાથે છે, જિલ્લાના 184 વિદ્યાર્થી એ-1માં છે તો રાજકોટ જિલ્લાના 843 છાત્રોને એ-1 ગ્રેડમાં સ્થાન સાથે રાજયમાં પરિણામમાં ત્રીજા ક્રમે (72.74 ટકા) સાથે સ્થાન મળ્યું છે.
સુરતનાં બે જુડવા ભાઈઓએ ધોરણ-10ની પરીક્ષા આપ્યા બાદ આજે પરિણામ જાહેર થયા બંનેનું રિઝલ્ટ એક સરખું જ આવ્યું છે.
ડાયમંડ સિટી સુરતમાં ધોરણ-10ની પરીક્ષામાં જુડવા ભાઈઓનું પરિણામ એક સરખું આવ્યું છે. વાત જાણે એમ છે કે, સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા બે જુડવા ભાઈ સફળિયા રુદ્ર અને સફળિયા રુત્વએ ગુજરાત માધ્યમિક બોર્ડની ધોરણ-10ની પરીક્ષા આપી હતું. આ તરફ જોડે અભ્યાસ કરવા સાથે એકબીજાના ડાઉટ સોલ્વ કરતાં હોય આજે બંનેનું પરિણામ એક સરખું જ આવ્યું છે.
રાજયમાં સૌથી વધુ પરિણામ ગત વર્ષની જેમ જ સુરત જિલ્લાનું 76.45 ટકા આવ્યું છે અને સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.75 ટકા આવ્યું છે કેન્દ્રોમાં સૌથી વધુ પરિણામ બનાસકાંઠાના કુંભારીયાનું 95.92 ટકા અને સૌથી ઓછું નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું 11.94 ટકા આવ્યું છે. રાજયમાં 100 ટકા પરિણામવાળી 272, 30 ટકા કરતા ઓછા પરિણામવાળી 1084 અને 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 157 છે.
આ વર્ષનું પરિણામ ગત વર્ષથી ખુબ સામાન્ય જ ઓછું છે. પરંતુ ટોપ ગ્રેડ એ-1માં વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. 2022માં એ-1માં 12090 વિદ્યાર્થી સ્થાન પામ્યા હતા. તે સંખ્યા આ વર્ષે 6111 રહી ગઇ છે. એ-2 ગ્રેડમાં ગત વર્ષે 52992 વિદ્યાર્થી હતા જે આ વર્ષે ઘટીને 44480 થયા છે. બી-1 અને બી-2 ગ્રેડના વિદ્યાર્થીઓમાં પણ ગત વર્ષ કરતા ઘટાડો નોંધાયો છે. આ વર્ષે પણ વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યુ છે, 70.6ર ટકા છાત્રા અને પ9.પ8 ટકા છાત્રો આ પરીક્ષામાં ઉતીર્ણ થયા છે.
► રાજયમાં સૌથી વધુ પરિણામ સુરત જિલ્લાનું 76.45 ટકા, સૌથી ઓછું દાહોદનું 40.75 ટકા : 100 ટકા પરિણામવાળી સ્કુલ 272, 30 ટકાથી ઓછા પરિણામવાળી 1084, 0 ટકા પરિણામવાળી 157
અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 81.90 ટકા, ગુજરાતી માધ્યમનું 62.11 ટકા અને હિન્દી માધ્યમનું 64.67 ટકા નોંધાયું છે. 30 કોપી કેસ ઉપરાંત સીસીટીવી પરથી નોંધાયેલા 681 ગેરરીતિના કેસમાં પરિણામ અનામત રાખવામાં આવ્યા છે. આ વર્ષની પરીક્ષામાં 741411 વિદ્યાર્થી નોંધાયા હતા જેમાંથી 734898 ઉપસ્થિત થયા હતા.
આ પૈકી 474893 વિદ્યાર્થી પાસ થયા છે. 1586ર3 રીપીટરમાંથી 27446 પાસ થતા રીપીટર્સનું પરિણામ માત્ર 17.30 ટકા આવ્યું છે. આ ઉપરાંત ખાનગી 14635 પૈકી 1915 છાત્ર પાસ થતા
આ ઉમેદવારોનું પરિણામ 13.09 ટકા આવ્યું છે. નિયમિત પરીક્ષાર્થીઓની પરીક્ષા 80 ગુણના પ્રશ્નપત્ર અને શાળા મૂલ્યાંકનના 20 ગુણ પરથી લેવામાં આવી હતી. રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદની જેલમાંથી 79 બંદીવાન પરીક્ષાર્થી પૈકી 21 પાસ થયા છે.
આ ઉપરાંત સમગ્ર શિક્ષા અંતર્ગત પ્રોજેકટ હેઠળની 306 શાળાના 10210 વિદ્યાર્થી માટે 9 વોકેશનલ વિષયો પૈકી 8 વિષયની 30 ગુણની પરીક્ષા લેવામાં આવી હતી. જયારે 50 ગુણનું પ્રેકટીકલ અને 20 ગુણનું આંતરીક મુલ્યાંકન જે તે સંસ્થા કે શાળા દ્વારા કરવામાં આવ્યું હતું.